પ્રધાનમંત્રીશ્રીની પ્રેરક હાજરીમાં લાભાર્થી સાથે સંવાદ કાર્યક્રમમાં દાહોદના લાભાર્થી નાગરિકો સહભાગી થશે : આગામી તા. ૩૧ મે મગંળવારે સવારે ૯.૩૦ વાગે દાહોદ ખાતે કાર્યક્રમ યોજાશે
દાહોદ તા. ૨૮
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક હાજરીમાં આગામી તા. ૩૧ મેના રોજ હિમાચલ પ્રદેશ સિમલા ખાતે લાભાર્થી સાથે સંવાદ કાર્યક્રમ યોજાશે. દાહોદ જિલ્લાના લાભાર્થી નાગરિકો પણ આ કાર્યક્રમમાં સહભાગી થશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આ નિમિત્તે ઇન્દોર હાઇવે પાસેના પ્રસંગ પાર્ટી પ્લોટ ૨ ખાતે આગામી મગંળવારે સવારે ૯.૩૦ વાગેથી કાર્યક્રમનું આયોજન કરાયું છે. એક પણ જરૂરિયાતમંદ નાગરિક યોજનાના લાભથી વંચિત ન રહે એ ઉદ્દેશથી આ કાર્યક્રમનું આયોજન કરાયું છે.
ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા સહિતના મહાનુભાવો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં વિવિધ જનકલ્યાણની યોજનાઓ થકી સામાન્ય નાગરિકોના જીવનધોરણમાં આવેલા પરિવર્તન, યોજના દરેક લાભાર્થી નાગરિક સુધી પહોંચાડવા માટે જરૂરી સુગમતાઓ ઉભી કરવી સહિતની બાબતોને કેન્દ્રમાં અત્યોદંય અભિગમ સાથે કાર્યક્રમ યોજાશે.
જિલ્લા કક્ષાના કાર્યક્રમની પૂર્વતૈયારીઓની સમીક્ષા માટે જિલ્લા સેવા સદન દાહોદ ખાતે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. બેઠકમાં કાર્યક્રમના યોગ્ય સંચાલન માટે કલેક્ટર ડો. ગોસાવીએ જરૂરી સૂચનો કર્યા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સી.બી. બલાત સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.