ગરીબ કલ્યાણ સંમેલન અંતર્ગત દાહોદ જિલ્લાના લાભાર્થી નાગરિકો સાથે મહાનુભાવોએ કર્યો સંવાદ : સરકારની વિવિધ જનકલ્યાણ યોજનાઓના લાભો થકી જીવનમાં આવેલા સકારાત્મક પરિવર્તન માટે ધન્યવાદ પાઠવતા લાભાર્થી નાગરિકો


દાહોદ, તા. ૩૧

હિમાચલ પ્રદેશના સિમલા ખાતેથી ‘ગરીબ કલ્યાણ સંમેલન’ અંતર્ગત પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનો વિવિધ જનહિતની યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ નિમિત્તે દાહોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા સહિતના મહાનુભાવોએ જિલ્લાના લાભાર્થી નાગરિકો સાથે સંવાદ સાધ્યો હતો અને તેમને મળી રહેલા વિવિધ યોજનાકીય લાભો વિશે પૃચ્છા કરી હતી.
મહાનુભાવો સાથે સંવાદ વખતે ગરબાડાના ગાંગરડીના પાર્વતીબેન બારિયાએ ઉ્જજવલા યોજનાથી તેમના જીવનમાં આવેલા પરિવર્તન વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, અગાઉ રસોઇ બનાવવા તેમને ખૂબ મૂશ્કેલી પડતી હતી. જગંલમાંથી લાકડા લાવવાથી લઇને ચૂલામાં થતા ધૂમાડાથી તેઓ ત્રસ્ત થઇ ગયા હતા. પરંતુ ઉજ્જવલા યોજનાનો લાભ મળતા તેઓ સરળતાથી રસોઇ બનાવી લે છે અને કોઇ પરેશાનીનો સામનો કરવો પડતો નથી.
મોટી ખરજ ગામના દિલીપભાઇ ડામોરે જણાવ્યું કે, પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત તેમને લાભ મળતા તેઓ તેમનું પાકું મકાન બનાવી શકયા છે. તેમણે જણાવ્યું કે, અગાઉ કાચા મકાનના કારણે મને ખૂબ અગવડ પડતી હતી. ચોરી-લૂંટફાટથી લઇને જંગલી જનાવરોનો ડર રહેતો હતો. મોસમના બદલાવના કારણે પણ ભારે પ્રતિકુળતા થતી. જે પાકુ મકાન મળી જવાથી આ સમસ્યાઓનો અંત આવ્યો છે. જે બદલ સરકારને ખૂબ ધન્યવાદ પાઠવીએ છીએ.
દાહોદનાં દીપક ગોવિંદ આસલકરે જણાવ્યું કે, વન રેશન વન રાશન કાર્ડ યોજના તેમના માટે આર્શીવાદ સમાન છે. અગાઉ રાશનકાર્ડ ન હોવાથી તેમને સરકારી લાભો મળતા નહોતા. જે આ રાશનકાર્ડ મળવાથી તેમને પ્રાપ્ત થયા છે.
દાહોદનાં ખરોડના રીપલ શાહે જણાવ્યું કે, પ્રધાનમંત્રી મુદ્રા યોજના થકી રૂ. ૧૦ લાખની લોન મળી છે. આ લોન મળવાથી હું મારો સાબુ-લિક્વિડનો બિઝનેશ વિસ્તારી શક્યો છું. મારી આવકમાં ધરખમ વધારો થયો છે. એટલું જ નહીં મે સાત જણાને નોકરીએ રાખ્યા છે અને તેમને પગાર આપું છું. સરકારની યોજનાકીય સહાયથી મળેલી લોનથી જ આ બધું શક્ય બન્યું છે.
આ ઉપરાંત મહાનુભાવોએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, પોષણ અભિયાન, પ્રધાનમંત્રી માતુવંદના યોજના, સ્વચ્છ ભારત મિશન યોજના શહેરી તેમજ ગ્રામીણ, જલ જીવન મિશન યોજના, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાઓના વિવિધ ૧૫ જેટલા લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: