દાહોદમાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરાશે : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ઝાયડસ હોસ્પિટલમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
દાહોદ તા.૧૩
દાહોદમાં આગામી તા. ૧૪ જૂને કલેક્ટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરાશે.વિશ્વ રક્તદાતા દિવસ દુનિયાભરના સ્વૈચ્છિક રક્તદાતાઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે ઉજવવામાં આવે છે. આ વિશ્વ રક્તદાતા દિવસ દર વર્ષેની જેમ જૂન ૧૪ના રોજ ઉજવવામાં આવશે. તેની શરૂઆત સને ૨૦૦૭ ના વર્ષથી કરવામાં આવી છે. તા. ૧૪ જુનના રોજ દાહોદ જિલ્લામાં પણ સ્વૈચ્છિક રક્તદાતાઓનો આભાર માનવા માટે જિલ્લા વહિવટી તંત્ર, શ્રી એમ.એમ ચેરીટેબલ સેવા ટ્રસ્ટ અને ભારતિય પત્રકાર સંઘના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ વખતે ‘Donating Blood is an act of solidarity . join the efforts and save lives’ની થીમ ઉપર વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. આ પ્રસંગે રક્તદાતાઓને સંકલ્પ લેવાના કાર્યક્રમનું પણ આયોજન કરાયુ છે. આ દિવસને અનુલક્ષીને દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ઝાયડસ હોસ્પિટલની બ્લડ બેંકમાં રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. આ અવસરે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને ઝાયડસ હોસ્પિટલ ખાતે જિલ્લા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીની ઉપસ્થિતિમાં રક્તદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવશે.