ડો.ગૌરાંગ ચોટલિયા અને સ્ટાફ બ્રધર મુકેશ પટેલે સામાન્ય સુવાવડ કરાવી : લીમખેડાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સગર્ભાએ ઓપરેશન વિના એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો, ત્રણેય બાળકો તંદુરસ્ત

રિપોર્ટર : પંકજ પંડિત

દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લાના લીમખેડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં એક મહિલાએ એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો છે. સરકારી તબીબે જ નોર્મલ ડીલેવરી કરાવી હતી. ત્યારે હાલ બાળકો અને માતા સ્વસ્થ્ય છે. ત્રણ બાળકોમાં એેક પુત્રી અને બે પુત્રનો સમાવેશ થાય છે.
એક પુત્રી અને બે પુત્રોને જન્મ
લીમખેડા તાલુકાના મોટા હાથી ધરા ગામના લલિતાબેન નરેશભાઇ ડામોર સગર્ભા હતા અને તેમને પ્રસવની પીડા ઉપડતાં લીમખેડાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં એમ.બી.બી.એસ તબીબ ડો.ગૌરાંગ ચોટલિયા અને સ્ટાફ બ્રધર મુકેશ પટેલ હાજર હતા. તેઓએ લલિતાબેનને ઓપરેશન કર્યા વિના પ્રસુતિ કરાવી હતી. લલિતાબેને એક સાથે ત્રણ બાળકોને જન્મ આપ્યો હતો. જેમાં તેમણે એક પુત્રી અને બે પુત્રોને જન્મ આપ્યો છે.
ત્રણેય બાળકો તંદુરસ્ત
સામાન્ય રીતે સમય પહેલા અથવા તો એક કરતાં વધુ બાળકો એક સાથે જન્મે છે ત્યારે તેમને કોઇને કોઇ ખામી હોવાનો ભય રહેલો હોય છે. ત્યારે તાલુકા હેલથ ઓફિસરે દિવ્ય ભાસ્કર ડીજીટલ સાથે કરેલી વાતમાં જણાવ્યુ હતુ કે, ત્રણેય બાળકો તંદુરસ્ત છે પરંતુ તેમનું વજન ૨ કિલો કરતા ઓછુ છે. જેથી તેમને બાળકોના દવાખાને રીફર કરવામાં આવ્યા છે જ્યારે માતાની તબિયત પણ સ્વસ્થ હોવાનું તેમણે જણાવ્યુ હતુ.
હવે પરિવારમાં ૭ બાળકો થયા
લલિતાબેનને આ પહેલાં ચાર બાળકો છે જેમાં ત્રણ પુત્રી અને એક પુત્રનો સમાવેશ થાય છે. ત્યારે પાંચમી વખત તેઓએ ગર્ભ ધારણ કર્યો હતો અને સાગમટે ત્રણ બાળકો અવતરતાં હવે તેમના પરિવારમાં કુલ ત્રણ પુત્રો અને ચાર પુત્રીઓ થયા છે. આમ સરકારી દવાખાને જટિલ ગણાય તેવી પ્રસુતિ કરાતાં દંપતીનો હજારોનો ખર્ચ પણ બચી ગયો છે.
સાત બાળકોના પિતા બની ગયેલા નરેશભાઇ ડામોર કડિયાકામ કરે છે
સાત બાળકોના પિતા બની ગયેલા નરેશભાઇ ડામોરે જણાવ્યું હતું તે, પોતે કડિયાકામ કરે છે. તેઓ કડિયાકામ કરવા મોટે ભાગે વડોદરા જાય છે પરંતુ હાલમાં અહીં જ છે તેમના પત્ની લલિતાબેન પણ તેમની સાથે મજૂરીએ જતા હતા પરંતુ હવે એક સાથે ત્રણ નાના બાળકોને ઉછેરવાની જવાબદારી આવી પડતાં તેઓ પતિને આર્થિક ઉપાર્જનમાં મદદરૂપ થઇ શકશે નહી.
નરેશભાઇ પણ પાંચ બહેનોના એકના એક ભાઇ ​​​​​​​
​​​​​​​નરેશભાઇ ડામોર પોતાના માતા પિતા સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. નરેશભાઇ પણ પાંચ બહેનોના એકના એક ભાઇ હોવાથી સમગ્ર સામાજિક વ્યવહારની જવાબદારી પણ તેમના શીરે જ રહેલી છે.પ્રથમ ચાર બાળકોમાંથી બે બાળકો અભ્યાસ કરવા જતા હોવાનું તેમણે જણાવ્યુ છે ત્યારે તેમણે સહર્ષ જણાવ્યુ હતુ કે તેઓ આનંદિત છે અને આ બાળકોનો ઉછેર પણ તેઓ જવાબદારી પૂર્ણ રીતે કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!