આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : દાહોદ જિલ્લામાં ૩.૩૧ લાખથી વધુ લોકોએ કર્યા યોગ : દાહોદમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયો : શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે યોગને જીવનશૈલીનો ભાગ બનાવી લેવો જોઇએ : દંડક શ્રી રમેશભાઇ કટારા

દાહોદ તા. ૨૧

આંતરરાષ્ટ્રીય યોગ દિવસે સમગ્ર દાહોદ જિલ્લો યોગમય બન્યો હતો. જિલ્લામાં વિવિધ સ્થળે યોજાયેલા જિલ્લા, તાલુકા કક્ષા તેમજ શાળાઓ, મહાવિદ્યાલયો ખાતેના યોગ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જિલ્લાના ૩૩૧૪૧૦ થી વધુ લોકો વિવિધ સ્થળે યોજાયેલા યોગ કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને ફીટ ઇન્ડિયાની નેમ સાકાર કરવા કટિબદ્ધતા દાખવી હતી.
દાહોદમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ૩૨૧૦ લોકોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે દંડક શ્રી રમેશભાઇ કટારાએ જણાવ્યું કે, યોગ એ સ્વસ્થ અને નિરામય જીવન માટે અતિઆવશ્યક છે. યોગને આપણી જીવનશૈલીનો ભાગ બનાવી લેવો જોઇએ. ભારતના ઋષિમુનિઓ દ્વારા નિર્મિત યોગ વિદ્યા હવે સમગ્ર વિશ્વમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંનિષ્ઠ પ્રયાસને કારણે સ્વીકૃત બની છે.
તેમણે જણાવ્યું કે, આધુનિક જીવનશૈલીને કારણે શારીરિક પરિશ્રમ ઘટયો છે અને માનસિક તનાવ વધ્યો છે ત્યારે યોગ થકી શારીરિક કષ્ટ દૂર થશે તેમજ માનસિક શાંતિ પણ મળશે. સ્વસ્થ તન અને સ્વસ્થ મન માટે આપણે યોગને દૈનિક જીવનશૈલીનો ભાગ બનાવીને નિયમિત રીતે યોગ કરવા જોઇએ. કોરોનાના કપરા સમયમાં પણ નિયમિત યોગઅભ્યાસ કરનારા લોકોએ કોરોનાને સરળતાથી મ્હાત આપી હતી. કોરોના બાદ લોકોમાં સ્વાસ્થ પ્રત્યે જાગૃત્તિ વધી છે ત્યારે વધુમાં વધુ લોકોએ યોગને પોતાના દૈનિક જીવનનો ભાગ બનાવી લેવો જોઇએ.
તેમણે એમ પણ જણાવ્યું કે, આ વર્ષે આપણે માનવતા માટે યોગની થીમ ઉપર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી રહ્યાં છે ત્યારે માનવતાને વધુ ઉંચા મુકામ પર લઇ જવા માટે ઉચ્ચ જીવનમૂલ્યોને અપનાવવા જોઇએ.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકનાં મૈસુરથી દેશવાસીઓને સંબોધન કરી યોગ દિવસની શુભકામનાઓ પાઠવી યોગનું મહત્વ સમજાવ્યું હતું. રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના સાબરમતી રિવફ્રન્ટ ખાતે ઉજવવામાં આવ્યો હતો. અને જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં સૌએ વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
જિલ્લામાં આવેલી તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ યોગ સાથે જોડાયેલી સંસ્થાઓ પણ યોગ દિવસની ઉજવણીમાં સામેલ થઇ હતી. વિદ્યાર્થીઓમાં પણ યોગ માટે ઉત્સાહ જોવા મળ્યો હતો અને શાળાના પરિસરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ યોગ કર્યા હતા. વિશ્વ યોગ દિવસે જિલ્લા મથકે કુલ પાંચ સ્થળે, તાલુકા દીઠ બે સ્થળે તેમજ નગરપાલિકા દીઠ બે સ્થળે ઉજવણી કરાઇ હતી. તેમાં પણ મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
આ ઉપરાંત રાજ્યમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ આઇકોનિક સ્થળો નક્કી થયા છે. જે પૈકી દાહોદ જિલ્લામાં પુરાતન શિવ મંદિર બાવકા ખાતે વિદ્યાર્થીઓએ યોગ કર્યા હતા. અહીં ૨૭૦ જેટલા વિદ્યાર્થીઓ યોગ કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા,નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી.પાંડોર, એએસપી શ્રી જગદીશ બાંગરવા,એમ.ડી.એમ નાયબ કલેકટર શ્રી ફાલ્ગુન પંચાલ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલ ચૌધરી, ડીવાયએસપી શ્રી પરેશ સોલંકી, ડીવાયએસપી શ્રી બેન્કર સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પોલીસકર્મીઓ, વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામા નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: