દેવગઢ બારીઆ તાલુકાના બૈણા ગામનો ચકચારી બનાવ : કામધંધો ન કરતાં કળીયુગી પુત્રને પિતાએ ઠપકો આપતાં થયેલ ઝઘડામાં પુત્રએ પિતાનું ઢીમ ઢાળ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
કામધંધો કરવાનું કહેનાર પિતા સાથે કળીયુગના શ્રવણે ઉગ્ર બોલાચાલી કરી પિતાના કપાળમાં, છાતીના ભાગે તેમજ શરીરના અન્ય ભાગોમાં ધારીયાના ઘા ઝીંકી પિતાને મોતને ઘાટ ઉતાર્યાનો ચકચારી બનાવ દે.બારીયા તાલુકાના બૈણા ગામના જુના ફળીયામાં ગત રાતે બનવા પામ્યાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગત અનુસાર દે.બારીયા તાલુકાના બૈણા ગામના જુના ફળીયામાં રહેતા બચુભાઈ નાયકનો છોકરો ભારતભાઈ બચુભાઈ નાયક કોઈ કામ ધંધો કરતો ન હોઈ અને આખો દિવસ ઘરે બેસી રહેતો હોવાથી તેના પિતાએ ગઈ કાલે રાતે ભારતભાઈને તુ કોઈ કામધંધો કરતો નથી અને ઘરે જ બેસી રહે છે એના કરતા કોઈ કામધંધો કરતો હોય તો સારૂં લાગે. તેમ કહેતા પિતા બચુભાઈની કામધંધો કરવા બાબતની ટકોર સાંભળી પુત્ર ભારતભાઈ એકદમ ઉશ્કેરાયો હતો અને પિતા બચુભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી ઝઘડો – તકરાર કરી ક્રોધાવેશમાં આવી તેના હાથમાંના લાકડાના હાથાવાળા લોખંડના ધારીયાના ઘા પિતા બચુભાઈ ને કપાળના ભાગે, છાતીના ભાગે તથા શરીરના અન્ય ભાગોમાં મારી ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી નાસી ગયો હતો. સંબંધે બૈણા ગામના ગુના ફળીયામા રહેતા બાબુભાઈ ગમજીભાઈ નાયકે નોંધાવેલ ફરીયાદને આધારે દેવગઢ બારીયા પોલીસે પિતાના હત્યારા કળીયુગના શ્રવણ એવા ભારતભાઈ બચુભાઈ નાયક વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધર ી છે.

