લીમખેડાના ઢઢેલા ગામે ફોર વ્હીલર ગાડી પલ્ટી ખાતા પાંચ પૈકી એકનુંમોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લા લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે પુરપાટ દોડી આવતી એક કારનું ટાયર ફાટતાં કાર નજીકમાં આવેલ ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર પાંચ પૈકી એકનું ઘટના સ્થળે મોત નીપજ્યાંનું જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવમાં આવ્યાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ગતરોજ લીમખેડા તાલુકાના ઢઢેલા ગામેથી એક સ્કોર્પીયો ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પસાર થઈ રહ્યો હતો તે સમયે કારની વધુ પડતી ઝડપના કારણે અચાનક કારનું ટાયર ફાટ્યું હતું અને ગાડી નજીકમાં આવેલ ડીવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી અને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર વડોદરાના ડભોઈ તાલુકાના ચાંણોદ મુકામે રહેતાં આદર્શકુમાર, પ્રકાશભાઈ, જયેશભાઈ, જયદીપભાઈ પ્રવિણભાઈ માછી, સાગરભાઈ પ્રકાશભાઈ પ્રજાપતિ વિગેરેને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચી હતી જૈ પૈકી જયદીપભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. આ સંબંધે વડોદરાના ડભોઈ તાલુકાના ચાંણોદ મુકામે રહેતાં મેહુલભાઈ રણછોડભાઈ માછીએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.