પ્રસૃતિ સમયે નવજાત શિશુના ગળાની આસપાસ નાળ વીટળાઇ ગઇ અને ગળાને ભીંસવા લાગી : નવજાત શિશુની આવી કટોકટીભરી સ્થિતિમાંથી બચાવતા દાહોદનાં આરોગ્યકર્મીઓ

બાળકના શ્વાસ અટકી પડતા કૃત્રિમ શ્વોસાશ્વાસ આપીને આપ્યું નવજીવન
દાહોદ તા.૨૪
દાહોદનાં રાબડાલના મોવાલીયા ગામના સગર્ભા મહિલા સુનિતાબેન પરમાર પ્રસૃતી પીડા સાથે અહીંના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે આવ્યા. તેમની પાસે સોનોગ્રાફી વગેરેના રિપોર્ટ પણ નહોતા. માતાની ડિલીવરી કરતી સમયે જાણ થઇ કે બાળકના ગળાના ભાગે નાળના બે આંટા વીટળાયેલા હતા. જે પ્રસૃતિ દરમિયાન બાળક બહાર આવે તેમ તેને ગળાને ભીસી રહ્યાં હતા અને બાળકના જીવન ઉપર મોટું સંકટ ઉભું થયું.
અહીં નર્સ મીડવાઇફ તરીકે કામ કરતા આરોગ્યકર્મી પ્રદીપ પંચાલ પાસે મહિલાના કોઇ રિપોર્ટ ન હોવાથી તેમને પણ બાળકની આ સ્થિતિ વિશે જાણ નહોતી. પરંતુ તેમની પાસે અનુભવનું ભાથું પૂરતું હતું. તેમણે અગાઉ ઘણી જોખમી પ્રસૃતિ સફળતાપૂર્વક કરાવી હતી. બાળકના ગળાએ આવી રહેલા દબાણને જોતા મમતા સખી તરીકે માતાની સાથે આવેલા સગા પણ ગભરાઇ ગયા હતા. પરંતુ પ્રદીપ પંચાલે બાળકના ગળાને ફાંસીને જેમ ભીસી રહેલી નાળને બે બાજુ કલેમ્પ લગાવી વચ્ચેથી કાપી દેતા પ્રસૃતિ સરળતાથી થઇ હતી.
નવજાત શિશુ જન્મતાની સાથે જ રડતા હોય છે તેવી કોઇ પણ પ્રકારની હિલચાલ બાળકે કરી નહી અને ગળા ઉપર આવેલા દબાણને કારણ ચહેરો પણ ભૂરો પડી ગયો. જયારે બાકીનું શરીર ગુલાબી હતું. બાળકને તુરત લાઇફ સેવિગ પ્રોસીજરની જરૂર હોવાનું પ્રદીપભાઇ સમજી ગયા અને તેમણે પોતાના સહકર્મચારી કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ખિલન પ્રજાપતિને પણ મદદ માટે બોલાવી લીધા.
બંને આરોગ્યકર્મીએ વારાફરતી બાળકને કૃત્રિમ શ્વાસોશ્વાસ આપ્યા અને બે-ત્રણ મિનિટમાં બાળકના શ્વાસ તેમજ હ્રદયના ધબકારા સામાન્ય થઇ ગયા અને બાળકને નવજીવન મળ્યું. બાળકને ત્યાર બાદ વધુ સારવાર માટે ઝાયડસ હોસ્પીટલમાં મોકલવામાં આવ્યા. જયાં પણ માતા બાળકનું સ્વાસ્થ્ય સારૂ હોય, બાળકને ૧૨ કલાક નિરીક્ષણમાં રાખીને રજા આપવામાં આવી.
સુનીતાબેન અને તેમના પતિ જયેશભાઇએ નવજાત શિશુને કટોકટીની ક્ષણોમાં બચાવી નવજીવન બક્ષવા બદલ અહીંના આરોગ્યકર્મીઓનો આભાર માન્યો હતો અને અહીં તમામ સારવાર નિ:શુલ્ક મળતા સરકારનો પણ આભાર માન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: