દાહોદમાં જિલ્લા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો : ૧૦૧ સ્વસહાય જુથોને રૂ. ૧.૦૧ કરોડની ધિરાણ સહાય : લીમખેડા તાલુકાનાં ઉદ્યોગ સાહસિકોને રૂ. ૧ લાખનું કોમ્યુનિટી એન્ટરપ્રાઇઝ ફંડનું પણ ધિરાણ કરાયું
દાહોદ તા. ૨૪
દાહોદની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ યોજાયો હતો. જેમાં ૧૦૧ સ્વસહાય જુથોને રૂ. ૧.૦૧ કરોડનું ધિરાણ સહાય અપાઇ હતી. ઉપરાંત ભારત સરકારની નેશનલ રૂરલ ઇકોનોમિક ટ્રાન્સફોર્મેશન પ્રોજેક્ટ હેઠળ લીમખેડા તાલુકામા ઉદ્યોગ સાહસિકોને રૂ. ૧ લાખનું કોમ્યુનિટી એન્ટરપ્રાઇઝ ફંડનું પણ ધિરાણ કરાયું છે.
જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ આ પ્રસંગે જણાવ્યું કે, મહિલાઓનું આર્થિક સશક્તિકરણ થાય એ ખૂબ જરૂરી છે. ખાસ કરીને ગ્રામીણ મહિલાઓ આર્થિક રીતે પગભર બને એ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધતા સાથે કામગીરી કરી રહી છે. સ્વસહાય જુથોને ધિરાણ મળવાથી ગ્રામીણ મહિલાઓ સારી એવી આવક મેળવતી થાય છે અને તેમના જીવનધોરણમાં પણ નોંધપાત્ર સુધારો આવે છે. સ્વસહાય જુથોની મહિલાઓ આ ધિરાણનો યોગ્ય ઉપયોગ કરવા પણ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ સરકારની યોજનાઓનો જરૂરિયાતમંદ નાગરિકો અવશ્ય લાભ લેવા જણાવ્યું હતું અને સ્વસહાય જુથોની મહિલાઓને ધિરાણનો યોગ્ય ઉપયોગ કરીને પ્રગતિના નવા શિખર સર કરવાની શુભેચ્છા પણ આપી હતી.
દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અન્વયે સ્વસહાય જુથોને કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરાયું હતું. જિલ્લામાં વર્ષ ૨૦૨૨-૨૩ માં કુલ ૧૦૫૨ અરજીઓ મંજૂર કરાઇ છે. જે પૈકી ૪૧૪ સ્વસહાય જુથોને રૂ. ૪.૧૪ કરોડનું ધિરાણ અત્યાર સુધીમાં કરાયું છે.
કેશ ક્રેડિટ કેમ્પ કાર્યક્રમમાં લીડ બેંક મેનેજર શ્રી સુરેશ બારીયા, જિલ્લા લાઈવલિહુડ મેનેજર સુકુમાર ભુરીયા, આ યોજના સાથે સંકળાયેલા વિવિધ બેન્કના મેનેજરશ્રીઓ તેમજ સ્વસહાય જુથની લાભાર્થી મહિલાઓ ઉપસ્થિત રહી હતી.