દાહોદ તાલુકાના ચંદવાણા ગામનો ચકચારી બનાવ : પત્નીની ખેંચની બીમારીથી કંટાળેલા પતિએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૯
પત્નીની ખેંચની બીમારીના કારણે અવારનવાર દવાખાને લઈ જવાથી કંટાળી ગયેલ પતિએ કપડાથી પત્નીના ગળે ટૂંકો દઈ પત્નીને મોતને ઘાટ ઉતારી હત્યા કર્યાનું છુપાવવા ખેંચ આવવાના કારણે મોત નીપજાનું જણાવવાની ચર્ચા દાહોદ તાલુકાના ચંદવાણા ગામે ડામોર ફળિયામાં બનવા પામ્યાનું જાણવા મળે છે.
દાહોદ તાલુકાના મોટી ખરજ ગામના રાણીયાભાઈ બીજીયાભાઈ મીનામાની છોકરી મજાબેન ઉર્ફે બબલીબેનના લગ્ન દાહોદ તાલુકાના ચંદવાણા ગામે ડામોર ફળિયામાં રહેતા નીતિનભાઈ હમીરભાઈ ડામોર સાથે થયા હતા. મજાબેન ઉર્ફે બબલીબેનને ખેંચની બીમારી હોય જેથી તેણીને અવારનવાર દવાખાને લઈ જવાનું પડતું હોય આ રીતે વારંવાર ખેંચ આવવાના કારણે કોણ દવાખાને લઈ જાય, તેમ વિચારી દવાખાને અવારનવાર લઈ જવાના ચક્કરમાંથી છુટકારો મેળવવા તેણીના પતિ નીતિનભાઈ હમીરભાઇ ડામોરે તારીખ ૨૬મી જૂનના રોજ મોડી રાત્રીના ત્રણેક વાગ્યાની આસપાસ પોતાની પત્નીને કપડા વડે કે કોઈપણ બીજી રીતે તેનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધા બાદ હત્યાને છુપાવવા માટે નીતિનભાઈ ડામોરે ખેંચ આવતાં મરણ થયાનું જણાવી પોલીસ સહિત મૃતકના પરિવારને કહી ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસ તપાસમાં તેમજ પીએમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું બહાર આવતા આ સંબંધે મજાબેન ઉર્ફે બબલીબેનના પિતા મોટીખરજ ગામના રાણીયાભાઈ બીજીયાભાઈ મીનામાએ નોંધાવેલી ફરિયાદના આધારે કતવારા પોલીસ દ્વારા નીતિનભાઈ હમીરભાઇ ડામોર વિરુદ્ધ પત્નીની હત્યા કરવા સબબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.