વડોદરાની પરણિતાએ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી : વડોદરાની પરણિતાને પતિ તથા સાસરીયાઓએ દહેજ માટે ત્રાસ આપતાં પોલીસમાં ફરિયાદ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં હાલ પોતાના પિયરમાં રહેતી અને વડોદરા ખાતે લગ્ન કરેલ પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા દહેજની માંગણી કરી અવાર નવાર શારિરીક અને માનસીક ત્રાસ આપી પતિ દ્વારા મારઝુડ કરતાં આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતાએ ઝાલોદ પિયર મુકામે આવી પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ઝાલોદ નગરના મણીબેન હાઈસ્કુલની સામે ડબગરવાડા ખાતે રહેતી દિવ્યાબેન મણીલાલ પરમારના લગ્ન તારીખ ૦૨.૦૨.૨૦૧૨ના રોજ વડોદરા વઘોડીયા મુકામે રહેતાં મિહીર સુંદરલાલ ટેલર સાથે સમાજના રીતી રિવાજ મુજબ થયાં હતાં. લગ્નના થોડા સમય સુધી પરણિતા દિવ્યાબેનને પતિ તથા સાસરીયાઓ દ્વારા સારૂ રાખ્યાં બાદ તેઓનું પોત પ્રકાશ્યું હતું અને પરણિતા દિવ્યાબેનને પતિ મિહીરભાઈ દ્વારા બેફામ ગાળો બોલી અવાર નવાર મારકુટ કરી શારિરીક અને માનસીક ત્રાસ આપતો હતો અને તું મારા ઘરમાંથી નીકળી જા, મારે તને રાખવી નથી, તું મને ગમતી નથી, મારે તને છુટાછેડા આપી દેવાના છે અને મારા ઘરમાં રહેવું હોય તો તારા બાપાના ઘરેથી પૈસા લઈ આવ તેમ કહી અવાર નવાર હેરાન પરેશાન કરતો હતો અને સાસરીપક્ષના સુંદરલાલ ચગનલાલ, વિણાબેન સુંદરલાલ, શિતલબેન પિયુષકુમાર છત્રીવાલા અને રીપલબેન રીતેશકુમાર છત્રીવાલાનાઓએ પણ હેરાન પરેશાન કરતાં હતાં ત્યારે એક દિવસ પરણિતા દિવ્યાબેનને પતિ તથા સાસરીયાઓ દ્વારા પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મુકતાં દિવ્યાબેન પોતાના પિયર આવી પહોંચી હતી અને આ સંબંધે પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.