દાહોદ જિલ્લામાં ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ, ૨૦ વર્ષનો વિશ્વાસનો પ્રારંભ કરાવતા વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા : ગુજરાત રાજ્યે આ ૨૦ વર્ષોમાં વિકાસના નવા સીમાચિહ્નો સર કર્યા છે તેનો આ પ્રદર્શનમાં સુપેરે પરિચય થાય છે : વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા
દાહોદ નગરના સીટી ગ્રાંઉન્ડ ખાતે યોજાયેલા સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનને પ્રથમ દિવસે જ નાગરિકોનો વ્યાપક પ્રતિસાદ
ગુજરાતની વિકાસ યાત્રાનો સુપેરે પરિચય આપતું પ્રદર્શન અને સખી મંડળની વિવિધ હાથબનાવટની વસ્તુઓએ લોકોમાં આકર્ષણ જમાવ્યું
દાહોદ તા.૩૦
દાહોદ જિલ્લામાં આજથી ગુજરાત સરકારની ૨૦ વર્ષની વિકાસ યાત્રા પ્રદર્શન – ‘વંદે ગુજરાત ૨૦ વર્ષનો સાથ, ૨૦ વર્ષનો વિશ્વાસ’ નો વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારાએ દાહોદ નગરના સિટી ગ્રાંઉન્ડ ખાતે પ્રારંભ કરાવ્યો છે. આ સાત દિવસના સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનને પ્રથમ દિવસથી નાગરિકોનો વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. દંડક શ્રી રમેશભાઇ કટારાએ નાગરિકોને આ પ્રદર્શનનો મોટી સંખ્યામાં લાભ લેવા અપીલ કરી હતી.
વિધાનસભાના દંડક શ્રી કટારાએ જણાવ્યું કે, વંદે ગુજરાત પ્રદર્શન રાજ્યે ૨૦ વર્ષમાં ભરેલી વિકાસની હરણફાળનું પ્રતિબિંબ છે. ગુજરાત રાજ્યે આ ૨૦ વર્ષોમાં વિકાસના નવા સીમાચિહ્નો સર કર્યા છે તેનું આ પ્રદર્શનમાં સુપેરે પરિચય થાય છે. રાજ્ય સરકારના અથાગ અને સતત પરિશ્રમ થકી નવા ગુજરાતનું જે નિર્માણ થયું છે તેની ઝલક આ પ્રદર્શનમાં મળે છે. નાગરિકોએ આ સાત દિવસના પ્રદર્શનનો અવશ્ય મુલાકાત લેવી જોઇએ. રાજ્ય સરકાર દ્વારા આ ૨૦ વર્ષના વિકાસથી નાગરિકોમાં નવા વિશ્વાસનો જન્મ થયો છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના યશસ્વી નેતૃત્વ અને માર્ગદર્શનમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા રાજ્ય ઉન્નતિના નવા સોપાનો સર કરી રહ્યું છે. ત્યારે વંદે ગુજરાત પ્રદર્શન ગુજરાતની ૨૦ વર્ષની વિકાસ ગાથા રજૂ કરે છે. ગુજરાતે આ ૨૦ વર્ષોમાં દરેક દિશામાં વિકાસ કર્યો છે. સામાન્ય નાગરિકો સુધી સરકારની જનકલ્યાણની યોજનાઓના લાભ પહોંચતા નાગરિકોનું જીવનધોરણ ઉંચું આવ્યું છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, વંદે ગુજરાત પ્રદર્શનની સાથે જિલ્લાની સખી મંડળોના સ્ટોલ પણ અહીં લાગ્યા છે. આસ પાસના જિલ્લાના સખી મંડળો પણ અહીં જોડાયા છે ત્યારે સૌ નાગરિકોએ સખી મંડળોની મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી વિવિધ વેચાણની સામગ્રીઓની ખરીદી કરીને અહીંના ગ્રામીણ અર્થતંત્રને ટેકો આપવો જોઇએ. મહિલાઓ દ્વારા સંચાલિત સખી મંડળોએ ઉત્કૃષ્ટ કક્ષાની સામગ્રી જાતે જ તૈયાર કરી છે તેમ જણાવી તેમણે નાગરિકોને સખી મંડળ દ્વારા તૈયાર વિવિધ સામગ્રીઓની ખરીદી કરવા અપીલ કરી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ જણાવ્યું કે, વંદે ગુજરાત ગુજરાત પ્રદર્શન ગુજરાતે ૨૦ વર્ષમાં કરેલા વિકાસનો આયનો છે. સરકારની વિવિધ જનકલ્યાણની યોજનાઓના યથાર્થ અમલીકરણ થકી રાજ્યે સર્વ દિશાઓમાં વિકાસ કર્યો છે. વિકાસના ફળ જનજન સુધી પહોંચયા છે અને નાગરિકોમાં રાજ્ય સરકાર પ્રત્યે એક વિશ્વાસનો જન્મ થયો છે તેનું આ પ્રદર્શનમાં યોગ્ય રીતે પ્રતિબિંબ ઝિલાઇ રહ્યું છે. તેમ જણાવી જિલ્લાના નાગરિકોને આ સાત દિવસીય પ્રદર્શનનો લાભ લેવા જણાવ્યું હતું.
આજથી પ્રારંભ થયેલો સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શન આગામી તા. ૫ જુલાઇ સુધી દરરોજ સવારે ૧૦ થી રાત્રીના ૧૦.૩૦ વાગ્યા સુધી દાહોદ નગરના સીટી ગ્રાંઉન્ડ ખાતે યોજાશે. અહીં ૨૦ વર્ષમાં ગુજરાતે કરેલી વિકાસ યાત્રાના પ્રદર્શન સાથે સખી મંડળ દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓનું વેચાણ પણ અહીં ઉભા કરાયેલા ૫૦ જેટલા સ્ટોલમાં કરાઇ રહ્યું છે.
સખી મેળો તેમજ વંદે ગુજરાત પ્રદર્શનના પ્રથમ દિવસે નાગરિકોનો વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો હતો. તેમણે ખૂબ રસપૂર્વક ગુજરાતની ૨૦ વર્ષની વિકાસયાત્રાના પ્રદર્શનને નિહાળ્યું હતું અને સખી મંડળના સ્ટોલ ઉપર ખરીદી કરી હતી. અહીં ઉભા કરાયેલા સખી મંડળના વિવિધ ૫૦ સ્ટોલમાં વાંસકામની ગૃહસજાવટની ચીજવસ્તુઓ, પર્સ, ગૃહવપરાશની ચીજવસ્તુઓ, વસ્ત્ર પરિધાન, પ્રાકૃતિક કૃષિ પ્રોડક્ટ સહિતના સ્ટોલે લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. તદ્દઉપરાંત કાર્યક્રમના પ્રારંભે આદિવાસી નૃત્ય સહિતના સાંસ્કૃતિક કાર્યક્રમે લોકોને મંત્રમૃગ્ધ હતા.
આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, શ્રી જીથરાભાઇ ડામોર, શ્રી સરતનભાઇ ચૌહાણ સહિતના જનપ્રતિનિધિઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી સી.બી. બલાત, ગુજરાત લાઇવલીહુડ મેનેજર શ્રી સુકુમાર ભૂરિયા, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતા.