બિનજરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહી : દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૨ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી
દાહોદ તા.૧૦
ભારતના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઇ છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ તા. ૮ જુલાઇ થી તા. ૧૨ જુલાઇ સુધી ભારે વરસાદની આગાહી કરાઇ છે. જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી છે. જેના કારણે જિલ્લાના ડેમ, નદી, નાળા, તળાવો ઓવરફલો થવાની શકયતાઓ રહેલી છે.
ગત વર્ષોમાં લોકો દ્વારા ખોટા સાહસ કરી પાણીમાં નાહવા પડવાથી પાણીમાં ડૂબી જવા તથા વરસાદી પાણીના પ્રવાહમાંથી પસાર થવા જાેખમી પ્રયાસ કરવાના કારણે તણાઇ જવાના કારણે માનવમૃત્યુના બનાવો બન્યા છે. આ ઉપરાંત આકાશી વીજળી પડવાના કારણે પણ માનવ તેમજ પશુ મૃત્યુના બનાવો બન્યા છે.
અનુસંધાને દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરાઇ છે કે, વરસાદની ઋતુમાં લોકોએ પાણી ભરાયા હોય તેવા સ્થળે પ્રવેશ કરવો નહી. નાહવા પડવું નહી. બાળકોને પણ આવા પાણીથી દૂર રાખવા તથા બિનજરૂરી સાહસ કરી પાણીના પ્રવાહમાં વાહનો સાથે કે ચાલીને પસાર થવું નહી. આકાશી વીજળીથી બચવા માટે ભારતના હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘દામીની’ એપ મોબાઇલમાં પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી આપના વિસ્તારમાં વીજળી પડવા/થવાની શકયતાઓ અંગે અગાઉથી જાણકારી મળી રહેશે.
ભારે વરસાદ, પુર, ચોમાસા દરમિયાન કોઇ અઘટિત બનાવ બને તો તાત્કાલિક જે તે તાલુકાના મામલતદાર કચેરીના કંટ્રોલ રૂમ ખાતે અથવા જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ખાતે ફોન નંબર ૦૨૬૭૩-૨૩૯૨૭૭, ૦૨૬૭૩-૨૩૯૧૨૩ અને ૦૨૬૭૩-૨૩૯૦૮૦ ઉપર તુરંત જાણ કરવા અનુરોધ કરવામાં આવે છે. હાલની વર્ષાઋતુમાં લોકોને સાવચેતીના પગલા લઇ પોતાનું જીવન સુરક્ષિત બનાવવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઇ છે. નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોરે એક યાદીમાં જણાવ્યું છે.