વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત વિવિધ ગામોમાં ભવાઇના માધ્યમથી લોકોને વિવિધ યોજનાઓથી માહિતગાર કરાયા

દાહોદ તા. ૧૧

વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત આજે દાહોદ, ઝાલોદ અને લીમખેડાના વિવિધ ગામડાઓમાં રથે પરિભ્રમણ કર્યું હતું. અહીંના વિવિધ ગામોમાં યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. વંદે ગુજરાત વિકાસ રથનું ભવ્ય સ્વાગત કરાયું હતું. ગ્રામજનોને ભવાઇના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ અપાઇ હતી. સાથે ઉપસ્થિત મહાનુભાવોએ પણ લોકોને યોજનાઓથી માહિતગાર કર્યા હતા.
આજે વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત દાહોદનાં વડબારા, કઠલા, ઇટાલા, ગમલા સહિતના ગામોમાં, ઝાલોદ નગરપાલિકા, બાજરવાડા, લીમખેડાના મંગળમહુડી ખાતે વિકાસ રથ પહોચ્યો હતો અને કાર્યક્રમો યોજાયા હતા. અહીં ગ્રામજનો ઉત્સાહભેર વંદે ગુજરાત વિકાસ યાત્રામાં સહભાગી થયા હતા. ગ્રામજનોએ રથ સાથેની વિકાસયાત્રાની ફિલ્મને રસપૂર્વક નિહાળી હતી.
ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરવા કાર્યક્રમ સ્થળે ભવાઇના કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા. ભવાઇના માધ્યમથી રંગલા રંગલીએ રસપ્રદ શૈલીમાં ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ પણ ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા જણાવ્યું હતું. કાર્યક્રમ સ્થળે લાભાર્થી નાગરિકોને સરકારની યોજનાઓના લાભ પણ વિતરિત કરાયા હતા. મહાનુભાવોએ વૃક્ષારોપણ પણ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!