ઝાલોદ મામલતદાર કચેરી ખાતે અનુ.જનજાતિના ખોટા પ્રમાણપત્ર લેનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૬
ઝાલોદ આદિવાસી પરિવાર સંગઠન દ્વારા અનુ.જનજાતિના ખોટા પ્રમાણપત્રો લેનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા અંગે એક આવેદનપત્ર મામલતદાર કચેરી ખાતે આજરોજ આપવામાં આવ્યું. સરકાર દ્વારા અમુક નિયમો અને જોગવાઈઓ નુ ઉલ્લંઘન કરવામાં આવે છે તેથી ખોટા સમુદાયો દ્વારા ખોટા જાતી પ્રમાણપત્ર લઈ ફાયદો ઉઠાવી રહ્યા છે.
ગીર, બરડા, આલેયના જંગલ વિસ્તારમાં નેસમાં રહેતા રબારી, ભરવાડ ચારણ જાતિઓને બક્ષીપંચમાં સમાવેશ કરવા માટે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને દરખાસ્ત મોકલી હતી પરંતુ કેન્દ્ર સરકારે પૂર્તતા કરવા માટે દરખાસ્તને રાજ્ય સરકાર ને પરત મોકલી હતી જે વાતને એક વર્ષ જેટલો લાંબો સમય વીતવા છતાં ગુજરાત સરકારે આજદિન સુધી પૂર્તતા કરી નથી.જેથી જરૂરી પૂર્તતા કરીને કેન્દ્ર સરકારને મોકલવામાં આવે અને સાચા આદિવાસી અધિકાર સમિતિ ગુજરાત રાજ્ય અને સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજ્યને એની જાણ કરવામાં આવે તેવું આદિવાસી પરિવાર સંગઠનનું કહેવું છે.અગાઉ સમાધાન કરવામાં આવ્યું હતું તે મુજબ આજદિન સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવેલ નથી જે કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.
અગાઉ ખોટા અનુ.જનજાતિના પ્રમાણપત્ર લઈ મેડિકલ કોલેજોમા પ્રવેશ મેળવનારા સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ તે તમામ પર કાયદેસરની કાર્યવાહી કરી તેમના એડમિશન રદ કરવામાં આવે જેથી સાચા આદિવાસીને અન્યાય ન થાય.
ઉપરોક્ત માંગણી સાથે આદિવાસી પરિવાર સંગઠન દ્વારા આવેદનપત્ર મામલતદારને આપવામાં આવેલ છે.