ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના સ્થાપના દિવસ નિમિત્તે દાહોદના મુવાલીયા ફાર્મ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો
દાહોદ તા. ૧૬
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદનાં સ્થાપના દિવસ નિમિત્તે દાહોદનાં મુવાલીયા ફાર્મ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રિય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં કાર્યક્રમ યોજાયો હતો. અહીં દાહોદમાં યોજાયેલા કાર્યક્રમમાં ૧૫૬ ખેડૂતો સહભાગી થયા હતા. કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા સમજ આપી હતી.
આ પ્રંસગે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. એચ. એલ. કાચા એ જણાવ્યુ કે ખેડૂતો વૈજ્ઞાનિક ઢબ અપનાવી ખેતી કરે તો તેમની આવકમાં નોંધપાત્ર વધારો થાય અને જય જવાન જય કિસાન જય વિજ્ઞાન સુત્ર સાચા અર્થમાં ફલિતાર્થ થાય. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ઉત્પાદન, આવકની સાથે જમીનની ગુણવત્તામાં પણ વધારો થાય છે. જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા તેમણે અપીલ કરી હતી.
નવી દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શ્રી નરેન્દ્રસિંહ તોમરના અધ્યક્ષ સ્થાને તથા પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ શ્રી કૈલાશ ચૌધરી, તેમજ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હીના અધિકારીશ્રીઓ ડો. ત્રિલોચન મહાપાત્રા, ડી.જી.આઈ.સી.એ.આર., ડો. એ. કે. સિંઘ, ડી.ડી.જી.આઈ.સી.એ.આર.ની પ્રેરક ઓનલાઈન ઉપસ્થિતિમાં દાહોદ જીલ્લાના કુલ ૧૫૬ ખેડૂતોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ ઓનલાઈન મોડમાં યોજાયો હતો. જેમાં ૭૫૦૦૦ ખેડૂતોની સાફલ્ય ગાથાઓના સંકલનનું પુસ્તક સ્વરૂપે વિમોચન કરવામાં આવ્યું.
દાહોદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના અન્ય વૈજ્ઞાનિક ડો. આર. રાધા રાની, ડો. એન. કે. રાઠોડ, શ્રી જી. કે. ભાભોર તેમજ શ્રી એન. ડી. મકવાણા દ્વારા કૃષિ અને સલગ્ન વિષયો પર ખેડૂતોની આવક બમણી કરવામાં સફળ થયેલા દાહોદ જીલ્લાના ખેડૂતોને તથા અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બની સહિયારા પ્રયાસથી કૃષિ ક્રાંતિમાં આગવી હરોળના સૈનિકો બનવા બદલ શુભકામનાઓ પાઠવવામાં આવી. કાર્યક્રમના અંતે કૃષિને લગતા વિવિધ સાહિત્યનુ ખેડૂતોને વિતરણ કરાયું હતું.