દાહોદ નજીક મંગલ મહુડી ગામે પસાર થતા દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર મોડી રાત્રે મોટો રેલ અકસ્માત સર્જાયો

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૮

દાહોદ નજીક મંગલ મહુડી ગામે પસાર થતા દિલ્હી-મુંબઈ રેલ માર્ગ પર મોડી રાત્રે મોટો રેલ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ગુડ્સ ટ્રેનના ૧૬ ડબ્બા ખડી પડ્યા હતા. જેના પગલે દિલ્હી મુંબઈ વચ્ચે બંને તરફનો રેલ વ્યવહાર બંધ થઈ જવા પામ્યો છે. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ અકસ્માતને લઇને ૨૭ ટ્રેનોને ડાયવર્ટ કરવામાં આવી છે. જ્યારે ૪ ટ્રેન રદ્દ કરાઇ છે.

મધરાતે અકસ્માત થતાં હુટરો ગુંજી ઉઠ્યા
વડોદરાથી રતલામ તરફ જઈ રહેલી ગુડ્સ ટ્રેનના ૧૬ ડબ્બા દાહોદ પાસે મંગલ મહુડી રેલવે સ્ટેશન પાસે રાત્રે ૧૨થી ૧ વાગ્યાની વચ્ચે ખડી પડ્યા હતા. જેથી આ અકસ્માત સર્જાતા જ રેલવે સ્ટેશનના હુટરો ગુંજી ઉઠ્તા દોડધામ મચી ગઈ હતી.

દોઢ કિ.મી સુધી માલગાડીના ટુકડા દેખાયા
આ રેલ અકસ્માતમાં ગુડ્સ ટ્રેનના ૧૬ ડબ્બા એક પર એક ચડી જતા રમમોટો કહી શકાય તેવી રેલ દુર્ઘટના સર્જાઈ હતી. મોડી રાત્રે બનેલા આ બનાવના પગલે દોઢ કિલો મીટર સુધી રેલવે લાઈન પર માલગાડીના ટુકડા જોવા મળ્યા હતા. તેમજ રેલવેની ૨૫ હજાર મેગા વોટની વીજલાઇન પણ તૂટી જવા પામી હતી. જોકે, આ રેલ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

ડીઆરએમ સહિતનો કાફલો દોડી આવ્યો
બનાવની જાણ રેલવેના ઉચ્ચ અધિકારીઓને કરાતા રેલવેના ડીઆરએમ, સ્ટેશન માસ્ટર, સહિતના ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાબડતોબ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને યુદ્ધના ધોરણે દિલ્હી મુંબઈ વચ્ચેનો બંધ પડેલો રેલ વ્યવહાર પૂર્વવત કરવાની કામગીરીમાં જોતરાયા હતા.

અકસ્માતનુ કારણ અકબંધ
આ અકસ્માત કયા કારણોસર થયો તે સત્તાવાર રીતે જાણવા મળ્યુ નથી. બીન સત્તાવાર રીતે એવુ કહેવાઈ રહ્યુ છે કે, કોઈ એક ડબ્બાના વ્હીલ લોક થઈ જતા અકસ્માત સર્જાયો હતો, પરંતુ તપાસ બાદ જ સાચુ કારણ જાણી શકાશે.

૨૭ ટ્રેન ડાયવર્ટ, ૪ ટ્રેન રદ્દ
આ રેલ અકસ્માતને કારણે રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. અકસ્માત બાદ ૨૭ ટ્રેન ડાયવર્ટ કરાઈ છે. જ્યારે આજે વધુ ટ્રેન ડાયવર્ટ કરવી પડશે. તેની સાથે ૪ ટ્રેન રદ્દ કરાઇ છે. જો તેમા પેસેન્જર ટ્રેન હશે તો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે તે નિશ્ચિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!