વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ગામે ગામ નાગરિકોને મળી રહી છે વિકાસકાર્યોની ભેંટ : વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ આજે દાહોદનાં ગરબાડા, ફતેપુરા અને દેવગઢ બારીયાના વિવિધ ગામોમાં પહોંચ્યા
દાહોદ તા. ૧૮
વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ આજે દાહોદનાં ગરબાડા, ફતેપુરા અને દેવગઢ બારીયાના વિવિધ ગામોમાં પરિભ્રમણ કર્યું હતું. જેમાં વિવિધ ગામોમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત, લોકાર્પણ અને નવા કામોની જાહેરાતો કરાઇ હતી. તદ્દપરાંત લાભાર્થી નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભનું મહાનુભાવોએ વિતરણ કર્યું હતું.
દાહોદ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રા તેના અંતિમ તબક્કામાં પહોંચી છે ત્યારે ગામે ગામ વિકાસ કાર્યોના પ્રારંભ તેમજ લોકાર્પણ કરાઇ રહ્યાં છે. જેમાં આજે રૂવાબારી જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગામોમાં તાલુકા પંચાયત હસ્તક અમલ થતી ૧૫ માં નાણા પંચ અને મનરેગા યોજના અંતર્ગત રૂ. ૫૬.૭૫ લાખના ૪૮ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ રૂ. ૪૦.૭૪ લાખના ૩૨ વિકાસકાર્યોનો પ્રારંભ કરાયો છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ પ લાભાર્થીઓને કાર્ડ અપાયું હતું તેમજ પ્રધાનમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત પાંચ સગર્ભા-ધાત્રી માતાઓને ૧ કિગ્રા તેલ, ૨ કિલો ચણા, ૨ કિલો તુવેરદાળની સહાય કરવામાં આવી હતી.
આ વેળાએ અહીંના સ્થાનિક પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. દેવગઢ બારીયાના નાના કેલીયા તેમજ ઝાબીયા ગામે બપોર સુધીમાં કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ઝાબીયા ગામ ખાતે મતદાર જાગૃતિ અન્વયે વોટર હેલ્પલાઇન એપ ડાઉનલોડ કરાવી ગ્રામજનોને તેના ઉપયોગ વિશે માહિતી અપાઇ હતી. વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ગરબાડાના ઝરીબુજર્ગ, નિમચ, ફતેપુરાના સાગડાપાડા ખાતે કાર્યક્રમો યોજાયા હતા. કાર્યક્રમ સ્થળે ભવાઇ યોજીને પણ નાગરિકોને વિવિધ યોજનાઓની માહિતી અપાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી થયા હતા.
વંદે ગુજરાત વિકાસ યાત્રા આવતી કાલે ધાનપુર, સંજેલી અને દેવગઢ બારીયા તાલુકાના મોટી મલુ, પુના કોટા, મંડોર, હિરોલા, ગુણા સહિતના ગામોમાં પહોંચશે અને કાર્યક્રમો યોજાશે.