દાહોદ જિલ્લામાં યોજાયેલી વંદે ગુજરાત વિકાસ યાત્રામાં ૪૮૮૦૦ થી વધુ લોકો સહભાગી થયા : જિલ્લામાં યોજાયેલા ૧૦૩ કાર્યક્રમો અંતર્ગત ૧૬૧૪૩ લાભાર્થી નાગરિકોને રૂ. ૫૫.૩૦ કરોડથી વધુની સહાય મળી
જિલ્લામાં ૩૧૨૬ વિકાસ કાર્યોનાં લોકાર્પણ, ૨૨૨૮ ખાતમુહૂર્ત, ૧૨૪૪ નવા વિકાસકાર્યો માટેની જાહેરાત કરાય
દાહોદ તા.૨૧
ગુજરાત રાજ્ય સુશાસનના ૨૦ વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથના માધ્યમથી ગામે ગામ લોકોને ગુજરાતે બે દાયકામાં કરેલા અભૂતપૂર્વ વિકાસનો પરિચય કરાવાયો હતો. જિલ્લામાં ગત તા. ૫ થી ૨૦ જુલાઇ દરમિયાન વંદે ગુજરાત વિકાસ યાત્રા અંતર્ગત ત્રણ રથો જિલ્લા પંચાયતની તમામ બેઠકો સહિતના ૬૯૪ ગામોમાં પરિભ્રમણ કર્યું હતું. વંદે ગુજરાત વિકાસ યાત્રામાં ૪૮૮૦૦ થી પણ વધુ લોકો સહભાગી થયા હતા.
વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ જિલ્લાના ૬૯૪ ગામોમાં ફરી વળ્યાં હતા અને લોકોને પોતાના ગામમાં જ સરકારની વિવિધ યોજનાઓના લાભ સામે ચાલીને મળતા આનંદ વ્યક્ત કર્યો હતો. રથ પરિભ્રમણ દરમિયાન યોજાયેલા વિવિધ કાર્યક્રમો અંતર્ગત જિલ્લાના ૧૬૧૪૩ લાભાર્થી નાગરિકોને રૂ. ૫૫.૩૦ કરોડથી વધુની સહાય કરાય હતી. જિલ્લામાં યોજાયેલા કુલ ૧૦૩ કાર્યક્રમો અંતર્ગત ૩૧૨૬ વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું હતું અને ૨૨૨૮ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરીને પ્રારંભ કરાયો હતો. તદ્દઉપરાંત ૧૨૪૪ નવા વિકાસકાર્યો માટેની જાહેરાત પણ કરાઇ હતી.
જિલ્લામાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો પ્રારંભ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી શ્રી પ્રદીપભાઇ પરમારે ગત તા. ૫ જુલાઇના રોજ કરાવ્યો હતો અને દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કર્યો તે એક દિવસ બાદ કરતા લાગલગાટ ૧૫ દિવસ ગામે ગામ ત્રણ રથે પરિભ્રમણ કરી લોકોને ગુજરાતની વિકાસયાત્રાથી માહિતગાર કર્યા હતા.
વંદે ગુજરાત વિકાસ યાત્રાના રથ જે પણ ગામમાં પહોંચતા હતા તેનું ઉમળકાભેર ગ્રામજનો સ્વાગત કરતા હતા અને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહભાગી થયા હતા. વંદે ગુજરાત વિકાસ યાત્રા સાથે દર્શાવાતી ફિલ્મને ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી અને ગુજરાતની વિકાસગાથાને સુંદર નિરૂપણથી પ્રભાવિત થયા હતા.
વંદે ગુજરાત વિકાસ યાત્રા નિમિત્તે લોકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી પણ અપાઇ હતી. આ માટે જિલ્લામાં કાર્યક્રમ સ્થળે ભવાઇનો વ્યાપક ઉપયોગ કરાયો હતો. ભવાઇના રંગલા રંગલીએ ખૂબ રસપ્રદ શૈલીમાં લોકોને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી તેનો અવશ્ય લાભ લેવા જણાવ્યું હતું.
વંદે ગુજરાત વિકાસ યાત્રામાં પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ, ગામના સરપંચ તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં ભાગ લઇને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તદ્દપરાંત, વંદે ગુજરાત વિકાસ યાત્રા સાથે કીટ વિતરણ, પોષણલક્ષી વાનગી સ્પર્ધા, બાળકોના સુપોષણ અને વિકાસ વૃદ્ધિ અંગે તપાસ, શાળાઓમાં ચિત્ર-નિબંધ સ્પર્ધા, વૃક્ષારોપણ સહિતનાં કાર્યક્રમો પણ યોજાયા હતા.