દાહોદના કતવારા ગામે હાઈવે રોડ પર અજાણ્યા વાહનને અડફેટે મોટરસાઈકલ ચાલકનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૨
દાહોદ તાલુકાના કતવારા મુકામેથી પસાર થતાં હાઈવે રોડ પર એક અજાણ્યા ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૧૯મી જુલાઈના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ખાદલા તાલુકામાં કુદીયાપાડા ગામે રહેતાં ૪૦ વર્ષીય ભોદરીયાભાઈ કાળુભાઈ ગામડ પોતાના કબજાની મોટરસાઈકલ લઈ દાહોદ તાલુકાના કતવારા ગામેથી પસાર થતાં હાઈવે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ત્યાં એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી ભોદરીયાભાઈની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં ભોદરીયાભાઈ મોટરસાઈકલ સાથે જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં ભોદરીયાભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજતાં આ સંબંધે કૈલાશભાઈ ટીટાભાઈ ગામડ દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.