મહિલાઓ આત્મનિર્ભર બને એ માટે વહીવટી તંત્રનું ઇજન : ૭૪ મહિલાઓને અપાઇ રહી છે રાખડી બનાવવાની તાલીમ : મહિલાઓ આર્થિક રીતે સ્વનિર્ભર બને એ માટે ડીઆરડીએ ભવન ખાતે સાત દિવસીય તાલીમ કાર્યક્રમ

દાહોદ તા.૨૬

મહિલાઓમાં કૌશલ્ય વિકાસ દ્વારા આત્મનિર્ભર બનાવવાનો તંત્રનો પ્રયાસ – જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહાકુમારી

દાહોદ જિલ્લામાં મહિલાઓ સ્વનિર્ભર બને એ માટે વહીવટી તંત્ર પ્રતિબદ્ધતા સાથે ફરજ નિભાવી રહ્યું છે. જિલ્લામાં મહિલાઓને રક્ષાબંધનના પવિત્ર પર્વ દરમિયાન અર્થોપાર્જન કરી શકે તે માટે રાખડી બનાવવા માટેની ૭ દિવસીય તાલીમનું આયોજન જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ભવન ખાતે કરાયું છે. જે અંતર્ગત જિલ્લાની ૭૪ જેટલી મહિલાઓને તાલીમ મેળવી રહી છે.
જિલ્લા પ્રશાસન દ્વારા મહિલાઓને આ અંગેનું મટિરિયલ પુરૂ પાડવાનું પણ આયોજન છે. અહીં તાલીમ મેળવી રહેલી મહિલાઓના ચા-નાસ્તા, જમવા સહિતની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. ડીઆરડીએ ભવન ખાતે ગત તા. ૨૩ જુલાઇથી શરૂ કરવામાં આવેલી તાલીમ આગામી તા. ૨૯ જુલાઇ સુધી ચાલશે. જેમાં મહિલાઓને રાખડી બનાવવાની તાલીમ નિષ્ણાંતો દ્વારા અપાઇ રહી છે. આ સમગ્ર આયોજન રૂરલ સેલ્ફ એમ્પલોયમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના માર્ગદર્શનમાં કરવામાં આવ્યું છે.
અહીં તાલીમ મેળવી રહેલા ભાઠીવાડા ગામના ભાભોર ઉષાબેન જણાવે છે કે, અમને અહીં રાખડી બનાવવા માટેની તાલીમ મળી રહી છે. આ તાલીમ મળવાથી અમે દર વર્ષે આ રીતની કામગીરી કરીને કમાણી કરી શકીશું. અમારી સખી મંડળની બહેનો ગામથી અહીં તાલીમ માટે આવી રહી છે અને ગામમાં આ રાખડીના વેચાણથી સારી કમાણી થશે.
સંજેલી તાલુકાના પ્રતાપપુરા ગામમાંથી આવતા જય મહાકાળી સખી મંડળના રાવત અમૃત્તાબેન જણાવે છે કે, ડીઆરડીએ ખાતે ૭ દિવસની તાલીમમાં હું સામેલ થઇ છું. આ તાલીમ મળવાથી અમને કાયમી ધોરણે એક આવડત મળી જતા ફેસ્ટીવલ સિઝનમાં આવક મળી રહેશે.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ આજ રોજ ડીઆરડીએ ભવન ખાતે ચાલી રહેલા તાલીમ કાર્યક્રમની મુલાકાત લીધી હતી અને મહિલાઓએ તૈયાર કરેલી રાખડીઓથી પ્રભાવિત થયા હતા. તેમણે મહિલાઓ સાથે બેસીને તેમને મળી રહેલી તાલીમ વિશે માહિતી મેળવી હતી અને મહિલાઓને પ્રોત્સાહિત કરી હતી.
સુશ્રી નેહાકુમારીએ જણાવ્યું કે, મહિલાઓને આ તાલીમ આપવાનો એ ઉદ્દેશ છે કે મહિલાઓ એક કૌશલ્ય કેળવે. રાખડી બનાવવાની તાલીમથી શરૂઆત કરવામાં આવી છે. મહિલાઓનો સરસ પ્રતિભાવ અને ઉત્સાહ જોતા તેમને આ પ્રકારના અન્ય કૌશલ્ય શીખવાનું આયોજન છે. જેથી ગ્રામ્યસ્તરે મહિલાઓ આર્થિક સ્વરોજગારી મળી રહે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહિલાઓને તાલીમ આપ્યા બાદ મટીરિયલ પણ અપાશે અને મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલી રાખડીઓને દરેક તાલુકામાં બે જેટલા સ્ટોલ ઉભા કરીને વેચાણ કરાશે. આ સ્ટોલનો પ્રારંભ સંભવત: આગામી તા. ૭ ઓગસ્ટથી કરાશે. મહિલાઓ રાખડીઓના વેચાણથી અંદાજે ૬ થી ૭ હજારની આવક મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!