ઝાલોદ મામલતદાર કચેરી ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત મીટિંગ યોજવામાં આવી : આ સ્વતંત્રતા દિવસની ઉજવણી ઘરે ઘરે તિરંગો લહેરાવી કરીએ : મામલતદાર ઝાલા
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૭
ઝાલોદ મામલતદાર ઝાલા દ્વારા આજ રોજ હર ઘર તિરંગા અંતર્ગત એક મીટિંગ મામલતદાર કચેરી ખાતે યોજાઈ હતી, મામલતદાર ઝાલા દ્વારા મીટીંગમાં આવેલ દરેક લોકોને હર ઘર તિરંગામા સહભાગી થઈ સફળ બનાવવા આહવાન કરવામાં આવ્યું હતું, આગામી તારીખ 13 થી 15 તારીખ દરમિયાન ઝાલોદ નગરના દરેક ઘરે તિરંગો લગાવી કાર્યક્રમ સફળ બનાવવા ઉપસ્થિત દરેક લોકોને તે અંગે ચોક્કસ આયોજનની રૂપરેખા નક્કી કરવા કહ્યું હતું. દરેક ભારતીય તિરંગાની ખરીદી કરે અને પોતાની ઘરે તિરંગો લગાવી ભારતીય હોવાનો ગર્વ અનુભવે તેવું આયોજન કરવા હાકલ કરી હતી.
ઝાલોદ નગરના દરેક ઘરે ત્રિરંગો લહેરાય અને રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે નાગરિકોમાં ઉચ્ચ ભાવના જન્મે, રાષ્ટ્રભાવના મજબુત થાય તેવા ઉદ્દેશથી જિલ્લામાં હર ઘર ત્રિરંગા કાર્યક્રમ માટેનું આયોજન સફળ બનાવવા ચોક્કસ આયોજન થાય તેમજ આગામી તા. ૧૩ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન જિલ્લાના તમામ ઘરો, દૂકાનો, ઔદ્યોગીક કેન્દ્રો, સામાજિક અને શૈક્ષણિક પ્રતિષ્ઠાનો, વેપારી ગૃહો, સરકારી અને ખાનગી કચેરીઓ સહિત તમામ સ્થળોએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને ‘હર ઘર ત્રિરંગા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે તે અંગે એક મીટિંગ ઝાલોદ મામલતદાર ઝાલાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ અંગેના આયોજન માટે સઘન ચર્ચા કરાઇ હતી. જિલ્લાના મહત્તમ ઘરો અને શૈક્ષણિક, ઔદ્યોગિક એકમો પર ત્રિરંગો લહેરાવી ત્રિરંગા પ્રત્યે નાગરિકોમાં સન્માન અને રાષ્ટ્રપ્રેમની લાગણી જન્મે તે માટે વધુમાં વધુ લોકોને આ અભિયાનમાં જોડાય એ રીતનું આયોજન કરવા મામલતદાર દ્વારા જણાવાયું હતું. રાષ્ટ્ર જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ત્યારે ઝાલોદ તાલુકાના નાગરિકોની રાષ્ટ્રભાવના દ્રઢ બને તે માટે હર ઘર ત્રિરંગા કાર્યક્રમ નિમિત્તે નાગરિકો મોટી સંખ્યામાં સહભાગી બને તેમ પણ તેમણે ઉમેર્યું હતું. સરકારી ઇમારતો, ઔદ્યોગિક ગૃહો તેમજ જિલ્લાની શાળાઓમાં આઝાદી વિશે, ભારતના આઝાદીના લડવૈયાઓ વિશે, આઝાદીના મહત્વના પ્રસંગો વિશે વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તથા ગ્રામ્ય સ્તરે પ્રભાત ફેરી જેવાં આયોજનો વ્યાપક રીતે યોજીને મહત્તમ લોકોને આ ઉજવણીમાં સામેલ થાય તેવું આયોજન કરવા આ બેઠકમા નક્કી કરવામાં આવ્યું હતું ,આ મીટીંગમાં વેપારીમંડળના પ્રતિનિધિઓ,નગરના આગેવાનો,સામાજિક સંસ્થાઓ તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર હાજર રહ્યાં હતા.