૭૫@કલામ લાઈબ્રેરી – દાહોદ જિલ્લાની ૭૫ સરકારી પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય ઊભા કરાશે : આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે મિસાઇલ મેનને જિલ્લા વહીવટી તંત્રની યથાર્થ અંજલિ

દાહોદ તા.૨૯



નાના ભૂલકાઓમાં જ્ઞાન સિંચન માટે પુસ્તકાલયો મહત્વનાં – જિલ્લા વિકાસ અધિકારીશ્રી

આઝાદીના અમૃત મહોત્સવની દાહોદ જિલ્લા પ્રશાસન દ્વારા ઉમદા રીતે ઉજવણી કરાઇ રહી છે. આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે દાહોદની ૭૫ પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલય ઊભા કરાશે. જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ મિસાઇલ મેન તરીકે જાણીતા ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો. એ.પી.જે. અબ્દુલ કલામને યથાર્થ અંજલિ આપતા જિલ્લા વહીવટી તંત્રની આ પહેલને ૭૫@કલામ લાઇબ્રેરી એવું નામ આપ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ જણાવ્યું કે, જ્ઞાન એ વિકાસનો પાયો છે. જ્ઞાન જ વિશ્વમાં પરિવર્તન આણે છે ત્યારે ૭૫ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની વાંચન રૂચિ કેળવાય અને બાળપણથી જ ઉમદા વિચારોના સિંચન થકી તેમનું ઘડતર થાય એ માટે લાઇબ્રેરી વિકસાવાશે. જેમાં આગામી સમયમાં ૭૫ શાળાઓમાં લાઇબ્રેરી સેટ અપ કરાશે અને સ્કુલ ઓફ એક્સેલન્સમાં સમાવિષ્ટ આ શાળાઓમાં શિક્ષકોને પણ વાંચન પ્રવૃતિ વિકસે એ માટે સહકાર અપાશે.
તેમણે જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ડો. એ.પી.જે. અબ્દુલ કલામની પુણ્યતિથિ નિમિત્તે આ ઉમદા વિચારને સાકાર કરાઇ રહ્યો છે. નાના ભૂલકાંઓ વર્ગખંડમાં મેળવેલા જ્ઞાન થકી દેશના ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરે છે ત્યારે બાળકો આદર્શ નાગરિક બને, તેમનામાં દેશભક્તિની ઉમદા ભાવના વિકસે અને ઉચ્ચ સંસ્કારોનું નિર્માણ થાય એ માટે જિલ્લાની ૭૫ પ્રાથમિક શાળાઓમાં પુસ્તકાલયો વિકસાવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!