નાયબ પોલીસ મહાનિરીક્ષક દ્વારા દાહોદ જિલ્લા પોલીસનું વાર્ષિક ઈન્સપેક્શન : જિલ્લા પોલીસ વિવિધ ઈવેન્ટોમાં સરાહનીય પ્રદર્શન બદલ બિરદાવતા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી
દાહોદ તા.૨૯
દાહોદ જિલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સપેક્શન ગોધરા પંચમહાલ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ. ભરાડાની ઉપસ્થિતિમાં યોજાઇ રહ્યું છે. જેમાં જિલ્લા પોલીસ દ્વારા એસપી શ્રી બલરામ મીણાના માર્ગદર્શનમાં સેરેમોનીયલ પરેડ, મોકડ્રીલ સહિતની વિવિધ ઇવેન્ટો યોજવામાં આવી હતી. આ ઇવેન્ટોમાં સરાહનીય પ્રદર્શન બદલ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રીએ જિલ્લા પોલીસને બિરદાવી હતી.
વાર્ષિક ઇન્સપેકશન નિમિત્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સેરેમોનીયલ પરેડ યોજવામાં આવી હતી. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભરાડાએ આ વેળા દાહોદ પોલીસનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસ બેન્ડ દ્વારા વગાડવામાં આવતી સુમધુર સુરાવલીઓ, શિસ્તબદ્ધ ઉભેલા પોલીસ જવાનો, ઘોડેસવાર પોલીસ જવાનો, મહિલા પોલીસકર્મીઓ સહિતની પોલીસ ટીમનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. આ વેળાએ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તેમની સાથે જોડાયા હતા.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે મોકડ્રીલ પણ યોજાઇ હતી. જેમાં જિલ્લામાં આતંકવાદી હુમલા જેવી ઘટના બને તો તેવી પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો તેની મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં એક બિલ્ડીંગમાં છુપાયેલા લોકોને પકડવાથી લઇને સમગ્ર ઓપરેશનની મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર ઓપરેશનને જિલ્લા પોલીસ દ્વારા મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરાઇ હતી.
જિલ્લા પોલીસ દ્વારા વાર્ષિક ઇન્સપેક્શનના ભાગરૂપે બિલ્ડીંગ ઇન્ટરવેશન, ચેકપોસ્ટ ડ્રીલ, રાયોટ ડ્રીલ, મેડીશન બોલ પીટી, ખાલી હાથ પીટી, રાઇફલ ડ્રીલ, સંત્રી ડયુટી, ગાર્ડ બદલી, યોગા સહિતની વિવિધ ઇવેન્ટો યોજાઇ હતી. જિલ્લા પોલીસે આ ઇવેન્ટોમાં પ્રશંસનીય પ્રદર્શન કર્યું હતું.
ઉપરાંત નાયબ પોલીસ મહાનિરીક્ષકની અધ્યક્ષતામાં પોલીસ દરબારનું પણ આયોજન કરાયું હતું. જેમાં પોલીસ કર્મીઓના પ્રશ્નોનું રેન્જ આઇજી શ્રી એમ.એસ. ભરાડાએ સંતોષકારક નિવારણ કર્યું હતું. તેમણે અધિકારીશ્રીઓ, પોલીસકર્મીઓને કામગીરી બાબતના કેટલાંક સૂચનો પણ કર્યા હતા.
પોલીસ મેન્યુઅલમાં જણાવ્યા મુજબ રેન્જ વડાશ્રી દ્વારા જિલ્લા પોલીસનું દર વર્ષે મૂલ્યાંકનની કામગીરી કરવામાં આવે છે જે અંતર્ગત આ ઇવેન્ટો યોજવામાં આવ્યા હતા.
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે એએસપી શ્રી વિજયસિંહ ગુર્જર, એએસપી શ્રી જગદીશ બાંગરવા, ડીવાયએસપી શ્રી પરેશ સોલંકી, ડીવાયએસપી શ્રી હર્ષ બેન્કર, ડીવાયએસપી શ્રી રાજેન્દ્ર દેવધા, તમામ પોલીસ ઇન્સપેક્ટરશ્રીઓ, પોલીસ સબ ઇન્સપેક્ટર સહિતના પોલીસકર્મીઓ હાજર રહ્યાં હતા.