દાહોદ જિલ્લામાં હર ઘર ત્રિરંગા સહિતના વિવિધ કાર્યક્રમો સંદર્ભેની બેઠક જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં યોજાઈ
દાહોદ તા.૩૧
જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીની અધ્યક્ષતામાં જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનારા વિવિધ કાર્યક્રમો સંદર્ભે બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યત્વે હર ઘર ત્રિરંગા કાર્યક્રમ, વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અને ૧૫ ઓગસ્ટનાં રાષ્ટ્રીય પર્વની ઉજવણી માટેનું આયોજન કરાયું હતું. જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વધુમાં વધુ નાગરિકો પોતાના ઘરે ત્રિરંગો લહેરાવે એ બાબતે લોકોને પ્રોત્સાહિત કરવા જણાવ્યું હતું.
બેઠકમાં આગામી ૧૫ ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વની ઉજવણી શાનદાર રીતે કરવા માટેનું આયોજન કરાયું હતું. જેમાં કાર્યક્રમ સ્થળ, સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્ટેજ સુશોભન સહિતની તમામ બાબતો વિશે ચર્ચા કરીને અધિકારીશ્રીઓને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જરૂરી સૂચનાઓ આપી હતી. સ્વતંત્રતા પર્વ દિને વિશેષ કામગીરી કરનારા કર્મચારીઓનું સન્માન સહિતની બાબતો આવરી લેવાઇ હતી.
બેઠકમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક ખાતે કરવા અંગેનું આયોજન કરાયું હતું. આ માટેની જરૂરી વ્યવસ્થા અને સુરક્ષા બંદોબસ્ત બાબતે વિગતે ચર્ચા કરાઇ હતી. તદ્દઉપરાંત બેઠકમાં હર ઘર ત્રિરંગા કાર્યક્રમ સુચારૂ રીતે સંપન્ન થાય અને વધુમાં વધુ લોકો સહભાગી બને એ રીતનું આયોજન કરવા અધિકારીશ્રીઓને સૂચના અપાઇ હતી. આ માટેની યોગ્ય વિતરણ વ્યવસ્થા ગોઠવવા તેમજ જરૂરી પ્રચાર કરવા પણ જણાવાયું હતું.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા, લીમખેડા પ્રાંત અધિકારી શ્રી રાજ સુથાર, એએસપી શ્રી જગદીશ બાંગરવા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર સહિતના અધિકારીશ્રીઓ હાજર રહ્યાં હતા.