દાહોદમાં જિલ્લા કક્ષાનો કેશ ક્રેડિટ કેમ્પ દંડક શ્રી રમેશભાઇ કટારાની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો : કેશ ક્રેડિટ કેમ્પમાં ૧૦૪ સ્વસહાય જુથોને રૂ. ૧૦૪ લાખની ધિરાણ સહાય
દાહોદ તા.૩૧
જિલ્લા કક્ષાનો કેશ ક્રેડીટ કેમ્પ કાર્યક્રમ ગુજરાત વિધાન સભાના દંડકશ્રી રમેશભાઇ કટારાના અધ્યક્ષ સ્થાને ડીઆરડીએ ખાતેના સભાગૃહ ખાતે યોજાયો હતો. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લી. દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રિય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત ૧૦૪ સ્વ સહાય જૂથોને રૂ.૧૦૪ લાખ જેટલી રકમ ધિરાણ અપાયું છે.
આ પ્રસંગે વિધાનસભા દંડક શ્રી રમેશભાઇ કટારા એ જણાવ્યું કે, ગરીબી રેખા નીચે જીવતા પરીવારોના સભ્યોને સખી મંડળો સ્વ સહાય જુથોમાં સંગઠીત કરી તેમને બેંકો સાથે લઘુ ધિરાણ સાથે જોડીને ગરીબી રેખામાંથી બહાર લાવવાના એક મહાત્વાકાંક્ષી હેતુ સાથે આ યોજના લાગુ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરીવારો ખાસ કરીને મહિલાઓ આત્મનિર્ભર બને એ માટે આ યોજના આર્શીવાદરૂપ નીવડી રહી છે.
તેમણે જણાવ્યું કે, કેશ ક્રેડીટ અંતર્ગત જિલ્લામાં ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. જુલાઇ માસમાં કુલ ૫૩૧ કેશ ક્રેડીટ લોન અરજીઓ તૈયાર કરી બેન્કમાં મોકલવામાં આવી હતી. જેમાંથી ૧૬૭ અરજીઓને રૂ. ૧૬૭ લાખનું ધિરાણ મંજૂર કરવામાં આવ્યું છે. આજના કેશ ક્રેડિટ કેમ્પના દિવસે જ ૧૦૪ સ્વસહાય જુથોને રૂ. ૧૦૪ લાખ જેટલી રકમનું ધિરાણ વિતરિત કરાયું છે. વર્ષ ૨૦૨૨ – ૨૩ ની વાત કરીએ તો વર્ષ દરમિયાન ૫૧૬ સ્વસહાય જુથોને રૂ. ૫૧૬ લાખનું ધિરાણ અપાયું છે.
જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ જણાવ્યું કે, ગરીબી રેખા નીચે જીવતા પરિવારોના સભ્યોને સખી મંડળો સ્વસહાય જુથોમાં સંગઠિત કરી લઘુ ધિરાણ દ્વારા તેમના આર્થિક ઉત્કર્ષનું મહત્વનું કામ સરકાર દ્વારા અભિયાન સ્વરૂપે કરવામાં આવી રહ્યું છે. ગ્રામીણ બહેનોના આર્થિક સશક્તિકરણ માટે આ ઘણું જરૂરી છે જેને જિલ્લામાં ખૂબ સારી રીતે કરવામાં આવી રહ્યું છે.
આ વેળાએ જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, ડીઆરડીએ નિયામક શ્રી સી.બી. બલાત, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી, જિલ્લા લાઇવલીહુડ મેનેજર શ્રી સુકુમાર ભૂરિયા સહિતના અધિકારીશ્રીઓ હાજર રહ્યાં હતા.