૯મી ઓગષ્ટ – વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ૨૭ સ્થળોએ રાજ્યવ્યાપી ઉજવણી કરવામાં આવશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં દાહોદ ખાતે રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ કાર્યક્રમ યોજાશે: પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
દાહોદ તા.૦૪
રૂપીયા ૧,૩૦૦ કરોડના વિકાસલક્ષી કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશેઃ વ્યક્તિગત લાભાર્થીઓને જુદી-જુદી યોજના હેઠળ લાભ અપાશે
પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે, તા.૯મી ઓગષ્ટ-વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રાજ્યભરમાં કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે રાજ્યકક્ષાનો સમારોહ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં દાહોદ જિલ્લાના મેલાણીયા ખાતે યોજાશે. આ ઉપરાંત રાજ્યના અલગ અલગ ૨૬ સ્થળોએ મંત્રીમંડળના સભ્યશ્રીઓ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જિલ્લા કક્ષાએ યોજાનાર કાર્યક્રમોમાં દાહોદ ખાતે યોજાનાર મુખ્યમંત્રીશ્રીના રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે.
મંત્રીશ્રીએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના આ કાર્યક્રમમાં કુલ રૂ. ૧,૩૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાશે અને વ્યક્તિગત લાભાર્થીઓને જુદી-જુદી યોજના હેઠળ લાભ આપવામા આવશે. જેમાં અંદાજિત રૂ. ૧,૦૪૩ કરોડના લોકાર્પણ અને ખાતમુહુર્ત કામો તથા ૧૨ લાખથી વધુ આદિજાતિ વિધાર્થીઓને કુલ ૧૫૦ કરોડની શિષ્યવૃતિના લાભનું વિતરણ કરવામાં આવશે. તેમજ રાજ્યના ૭,૫૦૦ આદિજાતિ કુટુંબોને રૂ. ૯૦ કરોડના ખર્ચે આવાસની મંજૂરી, આદિજાતિ મહિલાઓને સ્વરોજગારી માટે રૂ.૨૦ કરોડના ખર્ચે ૩,૦૦૦ દૂધાળા પશુઓના લાભનું વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત વન અધિકાર અધિનિયમ-૨૦૦૬ હેઠળ ૧૧,૦૦૦ આદિજાતિ ખેડૂતોને વન અધિકારપત્રનું વિતરણ કરાશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કુંવરબાઇનું મામેરૂ, તબીબી સહાય યોજના, માનવ ગરિમા યોજના, મંડપ યોજના, ફળાઉ ઝાડના રોપા વિતરણ યોજના સહિતની વિવિધ વ્યકિતલક્ષી યોજનાઓ હેઠળ ૧૪,૦૦૦ લાભાર્થીઓને રૂ.૧૧ કરોડના લાભોનું વિતરણ કરવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ હેઠળ પેમ્ફલેટનું પણ વિતરણ કરવામાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.