દાહોદમાં ૭૩ મો જિલ્લા કક્ષાનો મહોત્સવ આગામી તા. ૧૨ ઓગષ્ટ મિરાખેડી ખાતે પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજવામાં આવશે : જિલ્લા સેવા સદન ખાતે કલેકટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
દાહોદને વધુ હરિયાળુ બનાવવામાં નાગરિકો પણ સહભાગી થાય : કલેકટરશ્રી
દાહોદ તા.૧૦
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં આજે જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી બેઠકમાં ૭૩ માં જિલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન કરાયું છે. કલેકટરશ્રીએ જિલ્લાને હરિયાળો બનાવવાની ઝુંબેશમાં સામાન્ય લોકોને પણ જોડાવા માટે જણાવ્યું હતું.
દાહોદમાં ૭૩ મો જિલ્લા કક્ષાનો વન મહોત્સવ પ્રભારી મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં યોજાશે. આ વન મહોત્સવ આગામી તા. ૧૨ ઓગષ્ટ, સવારે ૯ વાગ્યાથી એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કૂલ, ઝાલોદ તાલુકાના મિરાખેડી, ખાતે યોજાશે. નાયબ વન સંરક્ષક શ્રી અમિત કુમારે આ અંગેના આયોજન વિશે વિગતવાર માહિતી આપી હતી. ગત વર્ષે વન મહોત્સવ અંતર્ગત અત્યાર સુધીમાં ૪૮.૨૦ લાખ રોપા વાવવાની સિદ્ધ મેળવવામા આવી છે. તેમ તેમણે જણાવ્યું હતું.
કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ સામન્ય માણસે પણ આ મુહિમમાં સામેલ થવુ જોઈએ તેમ જણાવ્યું હતું. આ વર્ષે પણ ભવ્ય રીતે વન મહોત્સવ ઉજવાશે અને મોટી સંખ્યામાં વૃક્ષો વાવવામાં આવશે તેમ જણાવતા વન જતન અને દાહોદને વધુ હરિયાળો જિલ્લો બનાવવાની પ્રતીબદ્ધતા તેમણે વ્યકત કરી હતી.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી એ. બી. પાંડોર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.