ધાનપુર તાલુકાના ઝાબુ ગામે જમીન સંબંધી મામલે બેને ફટકાર્યા
દાહોદ તા.૧૦
ધાનપુર તાલુકાના ઝાબુ ગામે જમીનના ભાગના મામલે થયેલ ઝઘડામાં લાકડીઓ તથા ગડદાપાટ્ટુનો માર મારતાં બે જણાને શરીરે ઈજાઓ થયાનું જાણવા મળે છે.
ધાનપુર તાલુકાના ઝાબુ ગામે ઘડતર ફળિયામાં રહેતા સબુરભાઈ સુનીયાભાઈ બારીયા તથા તેના ભાઈ માનસીંગભાઈ સુનીયાભાઈ બારીયા ગતરોજ રાત્રીના સમયે પોતાના ઘરે જતાં હતાં તે સમયે તેમના ફળિયામાં રહેતા કાળુભાઈ રામસીંગભાઈ બારીયા, વકીલભાઈ રામસીગંભાઈ બારીયા તથા મુકેશભાઈ મગનભાઈ બારીયા પોતાની સાથે લાકડીઓ લઈ બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, તમારી પાસે વધારે જમીન છે તો તમો અમોને ભાગ કેમ આપતાં નથી, તેમ કહેતા ઉપરોક્ત બંન્ને ભાઈઓએ જમીનમાં ભાગ આપવાની ના પાડતાં જેથી ઉશ્કેરાયેલ વકીલભાઈ બારીયાએ સબુરભાઈને કુહાડીનો હાથો મારી તથા અન્ય બે જણાએ માનસીંગભાઈ બારીયાને લાકડીઓ તથા ગડદાપાટ્ટુનો માર મારી ઈજાઓ પહોંચાડી હતી તથા મારી નાખવાની ધમકી આપી હતી.
આ સંબંધે સબુરભાઈ સનીયાભાઈ બારીયાએ જેસાવાડા પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

