દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનેવા બે બનાવોમાં બેના મોત નીપજ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૬
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં એક ૦૫ વર્ષીય બાળકી મળી બેના મોતને પગલે જેતે પોલીસ મથકે ફરિયાદ નોંધાંયાનું જાણળા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ લીમખેડા તાલુકાના નાની બાંડીબાર ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૫ સપ્ટેમ્બરના રોજ લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામે રહેતો રમણભાઈ સોમાભાઈ નીનામાએ પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી નાની બાંડીબાર ગામેથી પસાર થઈ રહ્યો હતો તે સમયે નાની બાંડીબાર ગામે રહેતા કનુભાઈ ભાથુભાઈ ચૌહાણની ૦૫ વર્ષીય મૈત્રી ઉર્ફે બન્ટુ બાળકીને રમણભાઈએ પોતાના કબજાની ફોર વ્હીલરથી અડફેટમાં લેતાં મૈત્રીબેનનું મોત નીપજ્યું હતું. આ સંબંધે કનુભાઈ ભાથુભાઈ ચૌહાણે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના પાલ્લી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૫ સપ્ટેમ્બરના રોજ એક મોટરસાઈકલનો ચાલક પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પાલ્લી ગામેથી રોંગ સાઈડે પસાર થઈ રહ્યો હતો તે સમયે ત્યાંથી સામેથી મોટરસાઈકલ લઈ આવી રહેલ ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામે મુખ્ય નિશાળ ફળિયામાં રહેતાં સીમાભાઈ માનીયાભાઈ મીનામાની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં સીમાભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં જેને પગલે તેઓને હાથે પગે શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે અકસ્માત સર્જનાર મોટરસાઈકલના ચાલકે પણ પોતાને શરીરે ઈજાઓ પહોંચાડી હતી.
આ સંબંધે ધાનપુર તાલુકાના ઘોડાઝર ગામે મુખ્ય નિશાળ ફળિયામાં રહેતાં કમલેશકુમાર ભોંદુભાઈ મિનામાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.