આગામી તહેવારોને ધ્યાનમાં લઈ દાહોદ જિલ્લામાં બુટલેગરો બેફામ બન્યાં : જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં પોલીસે સઘન કામગીરી હાથ ધરી : દેવગઢ બારીઆના પીપલોદ ગામેથી પોલીસે રૂા. ૨૨.૧૬ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક ઝડપી પાડી
રિપોર્ટર : ગગન સોની


દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ ગામે વાહન ચેકીંગ દરમ્યાન પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે એક બંધ બોડીની ટ્રકમાંથી પોલીસે રૂા. ૨૨,૧૬,૨૮૦ના વિદેશી દારૂના જંગી જથ્થા સાથે ટ્રક મળી કુલ રૂા. ૩૬,૧૯,૨૮૦ના મુદ્દામાલ સાથે ટ્રકના ચાલકની અટકાયત કરી હોવાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લામાં આગામી તહેવારોને લઈ બુટલેગરો તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વો બેફામ બની રહ્યાં છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ દ્વારા નાસતા ફરતાં આરોપીઓ અને બુટેલગરો ઉપર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે ગતરોજ દેવગઢ બારીઆની પીપલોદ પોલીસને મળેલ બાતમીના આધારે પીપલોદ નગર ખાતે માતાનવડ બસ સ્ટેશન નજીક ચોકડી પાસે મળેલ બાતમીના આધારે આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરી રહી હતી તે સમયે બાતમીમાં દર્શાવેલ એક બંધ બોડીની ટ્રક ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ટ્રક નજીક આવતાની સાથે તેને પોલીસે ચારેય તરફથી ઘેરી લઈ ટ્રકના ચાલક કિશનલાલ મોડારામ ચૌધરી (જાટ) (રહે. રતાસર, તા.ચૌહાટન, જી. બાડમેર, રાજસ્થાન) નની અટકાયત કરી પોલીસે તેની પુછપરછ કરતાં પોલીસને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી પોલીસે ટ્રકની તલાસી લેતાં પોલીસ ચોંકી ઉઠી હતી. બંધ બોડીની ટ્રકમાં ચોરખાનું બનાવી અંદર વિદેશી દારૂની પેટીઓ ગોઠવેલ હતી. પોલીસે વિદેશી દારૂની પેટીઓ નંગ. ૬૪૦ જેમાં કુલ બોટલો નંગ. ૭૬૮૦ કિંમત રૂા. ૨૨,૧૬,૨૮૦ના પ્રોહી જથ્થા સાથે ચાલક પાસેથી મોબાઈલ ફોન તેમજ ટ્રકની કિંમત મળી પોલીસે કુલ રૂા. ૩૬,૧૬,૨૮૦નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત ચાલક વિરૂધ્ધ પીપલોદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

