ગણપતિ બાપ્પા મોરીયા.. અગલે બરસ તું જલ્દી આ.. ના નારા સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું : દાહોદ શહેર સહિત જિલ્લામાં શ્રીજી પ્રતિમાનું ભક્તિમય વાતાવરણ વચ્ચે શ્રધ્ધાભેર વિસર્જન કરવામાં આવ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૦
દશ દિવસના જાજરમાન આતિથ્ય બાદ દાહોદ શહેરમાં દુંદાળા દેવની આજે વાજતે ગાજતે દબદબાભરી વિસર્જન યાત્રા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાલિકાએ નિર્ધારિત કરેલ સાત બંગલા પાછળના તળાવ ખાતે પહોંચી ત્યાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પુજા અર્ચના કર્યા બાદ ગણપતિ બાપ્પા મોરીયાના ગગન ભેદી નાદ સાથે તળાવમાં શ્રીજી વિસર્જન કરવામાં આવશે.
કોરોનાના કપરા બે વર્ષ બાદ ચાલુ વર્ષે શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. ૧૦ દિવસ લોકો શ્રીજી દર્શન કરવા માટે પરિવાર સાથે ઉમટી પડ્યા હતા. દાહોદ શહેરમા વાજતે ગાજતે ડીજેના તાલે શ્રીજી સ્થાપના કરવામાં આવી હતી તેવી જ રીતે આજે શુક્રવારે ૧૦ દિવસનું આતિથ્ય માણનાર મોંઘેરા મહેમાન શ્રીજીના વિસર્જન માટેની સવારી બપોરના બાર વાગ્યાથી નીકળવાનો આરંભ નિર્ધારિત રૂટ પરના માર્ગો ડીજે અવાજથી ધણધણી ઉઠ્‌યા હતા અને ગણપતિ બાપ્પા મોરીયાના સર્વત્ર ગુંજી રહેલા નાદને કારણે સમગ્ર દાહોદ શહેર ગણેશમય બન્યું હતુ. પોલીસ તંત્ર દ્વારા લોકોને સુરક્ષાને ધ્યાને રાખી લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેમાં એસપી, એએસપી, ડીવાયએસપી તથા પીઆઈ કક્ષાના અધિકારી, પીએસઆઈ, એસઆરપી સહિત મહિલા  સી – ટીમના સ્કવોર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત શહેર પોલીસ દ્વારા ટ્રાફિક શાખા દ્વારા શ્રીજીની મુર્તિઓ લઈ જવાના રૂટો પર ટ્રાફિક નિયમનની વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે ઘોડે સવાર, વ્રજ મોબાઈલ તેમજ રૂટ પરના સીસીટીવી કેમેરા, બોડીવોર્ન કેમેરા જેવી તમામ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. પોલીસની આ કામગીરીમાં સાયબર ક્રાઈમ પોલીસ પણ જાેડાઈ અને ખોટી અફવાઓ ફેલાવનાર તેમજ વિસર્જન સંબંધિત કોઈ ખોટો મેસેજ વાયરલ કરનાર અંગે સોશ્યલ મિડીયા પર વોચ રાખવામાં આવી રહી છે.
દાહોદ પરેલ સાત બંગલા પાછળ આવેલ તળાવમાં દાહોદ શહેરના આશરે ૯પ થી ૧૦૦ જેટલા નાના – મોટા ગણપતિનું દબદબાભેર વિસર્જન કરવામાં આવ્યું હતુ. વિસર્જન સ્થળે નગર પાલિકા દ્વારા ફલ્ડ લાઈટ તથા ક્રેન વિગેરેની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી છે. વિસર્જન સ્થળ દુર હોવાને કારણે નાના ગણેશજીનું વિસર્જન કરવા માટે જે લોકો જઈ શકતા ન હોય કે જેને જવું ના હોય તેઓના શ્રીજીની નાની મુર્તિઓને વિસર્જન સ્થળે પહોંચાડી વિધિસર વિસર્જન થઈ શકે તે માટે દાહોદ તળાવ પર વલ્લભ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પાંચ અને નગરપાલિકા દ્વારા બે થી ત્રણ મળી કુલ સાતથી આઠ જેટલા ટ્રેક્ટરો મુકવામાં આવ્યા છે. આ વર્ષે દર વર્ષની સરખામણીમા મોટા ગણપતિની સંખ્યામાં વધારો જાેવા મળ્યો છે. તેમજ ઘરે સ્થાપના કરેલ ગણેશજીની ગણતરી કરવી અશક્ય બની હતી તેટલા ગણપતિનું આજે દાહોદ પરેલ સાત બંગલા પાછળના તળાવમાં દબદબાભેર વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!