દાહોદ જિલ્લામાં આકાશી વીજળીના કડાકા ધડાકા સાથે ઝાલોદ તાલુકામાં આકાશી વીજળી પડતાં એક મહિલા સહિત ત્રણના મોત નીપજ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૧
દાહોદ જિલ્લામાં આજરોજ બપોર સમયે વીજળીના કડાકા ધડાકા સાથે વરસાદી ઝાપટું પડતાં ઝાલોદ તાલુકામાં ત્રણ સ્થળોએ આકાશી વીજળી પડતાં એક મહિલા સહિત ત્રણ વ્યક્તિઓના મોત નીપજતાં પરિવારજનોમાં શોક પ્રસરી જવા પામ્યો હતો.
છેલ્લા બે દિવસથી દાહોદ જિલ્લામાં વીજળીના કડાકા અને ધડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આવા સમયે ગતરોજ દાહોદ જિલ્લામાં એક વ્યક્તિ અને બે મુંગા પશુઓ ઉપર આકાશી વીજળી પડતાં મોત નીપજ્યું હતું ત્યારે આજે પણ વીજળીના કડાકા ધડાકા સાથે બપોરના આશરે ૩ વાગ્યાના આસપાસ વરસાદ પડતાં ઝાલોદ તાલુકાના રણીયાર ચણાસર ગામે પોતાના ખેતરોમાં જંગલ નજીક પશુઓ ચરાવતાં કમલેશભાઈ મડીયાબાઈ ભાભોર ઉપર આકાશી વીજળી પડતા કમલેશભાઈનું મોત નીપજ્યું હતું ત્યારે બીજી તરફ ઝાલોદ તાલુકામાં ઘેટા ચરાવી રહેલ રબારી વિસાભાઈ ઉપર પણ વીજળી પડતાં તેઓનું પણ મોત નીપજ્યું હતું. ઝાલોદ તાલુકાના કાળીગામ ઈનામી ગામે રહેતા બે બહેનો સુમલીબેન કલ્પેશભાઈ ગણાવા અને કાન્તાબેન ભરતભાઈ નિનામા પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે બંન્ને બહેનો પર પણ આકાશી વીજળી પડતાં બંન્ને બહેનોને તાત્કાલિક દાહોદની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં સારવાર દરમ્યાન સુમલીબેનનું મોત નીપજતાં પરિવાજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું ત્યારે કાન્તાબેન હાલ સારવાર હેઠળ છે. સમગ્ર મામલે પોલીસે તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.