દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બેને ઈજા પહોંચી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બનેલા બે બનાવોમાં બે વ્યક્તિઓને ઈજાઓ થયાંનું જાણવા મળે છે. માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ગરબાડા તાલુકાના નળવાઈ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૯ સપ્ટેમ્બરના રોજ એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ ગરબાડા તાલુકાના ગુંગરડી ગામે ગારી ફળિયામાં રહેતાં રાકેશભાઈ ખાતરાભાઈની મોટરસાઈકલને અડફેટમાં લેતાં રાકેશભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેઓને શરીરે ઈજાઓ પહોંચી હતી. આ સંબંધે ગુંગરડી ગામે ગારી ફળિયામાં રહેતાં લાલાભાઈ મનુભાઈ રાઠોડે ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ દાહોદ તાલુકાના ભીંટોડી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૭મી ઓગષ્ટના રોજ એક ક્રુઝર ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ક્રુઝર ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ દાહોદ તાલુકાના વરમખેડા ગામે સરપંચ ફળિયામાં રહેતાં ઉદેસીંગભાઈ હિંમતાભાઈ બારીયાની મોટરસાઈકલને અડફેટમાં લેતાં ઉદેસીંગભાઈ મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાતાં ઉસીંગભાઈને શરીરે ઈજાઓ પહોંચી હતી. આ સંબંધે વરમખેડા ગામે સરપંચ ફળિયામાં રહેતાં હિંમતાભાઈ રાળીયાભાઈ બારીયાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.