દેવગઢ બારીઆ લોકઅપમાં આરોપીનો આત્મહત્યાનો મામલો : પીએસઓ દક્ષાબેનને ફરજ દરમ્યાન બેદરકારી દાખવતાં સસ્પેન્ડ કરવામાં આવ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે જંગલ વિસ્તારમાં પ્રેમ સંબંધમાં પોતાની ભાણેજને મોતને ઘાટ ઉતારના આરોપીએ થોડા દિવસો પહેલા દેવગઢ બારીઆની જેલમાં આત્મહત્યા કરી લીધી હતી ત્યારે આ સંદર્ભે જિલ્લા પોલીસ વડાએ ફરજ પર તૈનાત મહિલા પીએસઓને ફરજ પરની બેદરકારી દાખવી હોવાથી મહિલા પીએસઓને સસ્પેન્ડ કરાતાં દાહોદ જિલ્લા પોલીસ બેડામાં સ્તબ્ધતાં છવાઈ ગઈ હતી. ગત તા. ૦૭મી સપ્ટેમ્બરના રોજ જેન્તીભાઈ છત્રસિંહ રાઠવા (રહે. વાવ લવારીયા, માળ ફળિયુ, તા. દેવગઢ બારીઆ, જિ.દાહોદ) એ પોતાની ભાણેજ સાથેના પ્રેમ સંબંધમાં યુવતીએ અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ રાખતાં જેન્તીભાઈએ પોતાની ભાણેજને બામરોલી ગામના જંગલ વિસ્તારમાં લઈ જઈ છરાથી યુવતીનું ગળું રહેસી નાંખી ધડથી અલગ કરી જંગલ વિસ્તારમાં ફેંકી દઈ નાસી ગયો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં આરોપી જેન્તીભાઈને ઝડપી પાડ્યો હતો અને તેના રિમાન્ડ મેળવી દેવગઢ બારીઆની જેલ ખાતે મોકલી આપ્યો હતો ત્યારે બીજા દિવસે આરોપી જેન્તીએ દેવગઢ બારીઆની જેલમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર દાહોદ જિલ્લા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાેં હતો અને ફરજ પર તૈનાત મહિલા પીએસઓ દક્ષાબેન નારાણભાઈને ફરજ દરમ્યાન બેદરકારી બદલ દાહોદ જિલ્લા પોલીસ વડાએ મહિલા પીએસઓ દક્ષાબેનને સસ્પેન્ડ કરવામાં આવતાં દાહોદ જિલ્લા પોલીસ વિભાગમાં અનેક ચર્ચાઓ ભારે જાેર પકડ્યું હતું.

