દાહોદ તાલુકાના ભીટોડી ગામના બનાવને પગલે પરિવારમાં ગમગીની છવાઈ : ઈક્કો ફોર વ્હીલર ગાડીએ પગપાળા જતાં દાદા – પૌત્રને અડફેટમાં લેતાં બંન્નેના મોત નીપજ્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૪
દાહોદ તાલુકાના ભીટોડી ગામે એક ઈક્કો ફોર વ્હીલર ગાડીના ચાલકે રસ્તે ચાલતાં પસાર થઈ રહેલ દાદા – પૌત્રને અડફેટમાં લેતાં દાદાનું ઘટના સ્થળે અને પૌત્રનું સારવાર દરમ્યાન મોત નીપજતાં પરિવારમાં ગમગીની છવાઈ ગઈ હતી. ગત તા. ૦૧ ઓક્ટોબરના રોજ દાહોદ તાલુકાના ભીટોડી ગામે સરપંચ ફળિયામાં રહેતાં ૬૨ વર્ષીય જીનુભાઈ શીશકાભાઈ ડામોર અને તેમનો ૦૮ વર્ષીય પૌત્ર પવનકુમાર અરવિંદભાઈ ડામોર બંન્ને દાદા – પૌત્ર ભીટોડી ગામેથી ચાલતાં પસાર થઈ રહ્યાં હતાં તે સમયે એક ઈક્કો ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી જીનુભાઈ અને પવનકુમારને અડફેટમાં લેતાં બંન્ને દાદા – પૌત્ર ગંભીર રીતે ઘાયલ થતાં જીનુભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળે કરૂણ મોત નીપજ્યું હતું જ્યારે પવનકુમારને પણ શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવતાં પવનકુમારનું પણ સારવાર દરમ્યાન મોત નીપજતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
આ સંબંધે ભીટોડી ગામે સરપંચ ફળિયામાં રહેતાં રસલીબેન જીનુભાઈ ડામોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

