દાહોદ શહેરના કોલેજ ગ્રાઉન્ડ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વિશાળ જનમેદનીને સંબોધન કર્યું : ભાજપ અને કોંગ્રેસ નહીં પણ આ વખતે આમ આદમી પાર્ટીને મોકો આપો : કેજરીવાલ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
દાહોદ ખાતે આજે જંગી સભાને સંબોધતા અરવિંદ કેજરીવાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હુમલાને ગણકાર્યા વગર પુનઃ એકવાર મફતની રેગડીના અનેક વચનો આપી વિસ્તારના મતદારોને આકર્ષવાની કોશિશ કરી હતી. પ્રધાનમંત્રી મોદીની સ્ટાઈલમાં જ કેમ છો શબ્દ વાપરી અને લોકોના મનમાં ઉતરવાનો પ્રયત્ન કર્યો હતો તો પોતાના વક્તવ્ય દરમિયાન ચિઠ્ઠીમાં લખેલા શબ્દ તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમારો ભાઈ બેઠો છે શબ્દો ઉચ્ચારતા જ ઉપસ્થિત જનમેદનીએ તેઓને વધાવી લીધા હતા. પોતાના વક્તવ્ય દરમિયાન અંતિમ ક્ષણ સુધી કોઈપણ રાજકીય પાર્ટીનું નામ ન લેનાર કેજરીવાલે છેલ્લે છેલ્લે ભાજપ અને કોંગ્રેસના નામો ઉલ્લેખ કર્યો હતો જાેકે કોંગ્રેસને માત્ર દસ જ સીટો મળવાની આઈબી રિપોર્ટની વાત કરી કોંગ્રેસને એક પણ મત નહીં આપવાની વાત કરી હતી. તેઓની સીધે સીધી ચૂનોતી કોંગ્રેસ સાથે અને કોંગ્રેસના કમિટેડ ફોટો આપની પાર્ટી તરફ આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો હતો. ગુજરાત પ્રદેશ પ્રમુખ ભીખુદાન ગઢવીએ પોતાના ભાસણમાં જણાવ્યું હતું કે, ભાજપે એક વોટના ૧૦ હજાર આપવાનું નક્કી કર્યું છે તો ઘરમાં ધારો કે ૪ સભ્યો હોય તો ૪૦ હજાર લઈ લેવાના પણ વોટ આમ આદમી પાર્ટીને આપવાના અને છેલ્લી બે રાત્રીમાં ચવાણા અને બીજી કોઈ વસ્તુની લાલચ આપે તો લલચાઈ નહીં જવાનું, તેવું જણાવી આ પરિવર્તનની લહેરને જન જન સુધી પહોંચાડવાની હાંકલ કરી હતી.
દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરના આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડ ખાતે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન જાહેર જનતાને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી હતી. ગુજરાત સહિત રાજસ્થાન અને મધ્યપ્રદેશના આગેવાનો સહિત કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. અંદાજે ૨૫ થી ૩૦ હજારની જંગી મેદનીને અરવિંદ કેજરીવાલે જન સભાને સંબોધી હતી. અરવિદ કેજરીવાલે ભાજપ તેમજ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતાં. અરવિંદ કેજરીવાલે પોતાના ભાષણમાં ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતાં અને જણાવ્યું હતું કે, ભાજપા સરકારે તમામ વસ્તુઓ પર ટેક્સ લાગુ કરી દેતાં ગરીબ અને સામાન્ય માણસ પર બોઝ વધી ગયો છે. ભાજપની સરકારમાં રસ્તાઓ નથી બન્યા, હોસ્પિટલ નથી બની, સ્કુલો નથી બની. ભાપના સરકાર દ્વારા પ્રજાના પૈસા પોતાના અને પોતાની પાર્ટી પાછળ ખર્ચ કરી રહી છે. આમ આદમીની સરકાર બનશે તો ભાજપા સરકાર પાસેથી પ્રજાના તમામ પૈસા પાછા લેશે, મુખ્યમંત્રીને વીજળી ફ્રી મળી શકે, મંત્રીને વિજળી ફ્રી મળી શકે તો જનતાને વીજળી ફ્રી કેમ નથી મળતી ? ૧૮ ૧૮ વર્ષની ઉપરની યુવતીઓ અને મહિલાના એકાઉન્ટમાં દર મહિને નિર્ધારિત રકમ આમ આદમીના પાર્ટીની સરકાર આવશે તો નાંખવામાં આવશે. શિક્ષણ તરફ પણ ધ્યાન આપવામાં આવશે, ૧ હજાર રૂપીયા દરેક મહિલાના ખાતામાં દર મહિનામાં નાંખવામાં આવશે. કેજરીવાલે ગુજરાતીમાં ભાષણ આપતાં જણાવ્યું હતું કે, મહિલાઓ હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી,તમારો ભાઈ આવી ગયો છે. દિલ્હીનો ઉલ્લેખ પણ કર્યાેં હતો. દિલ્હીમાં શાળાઓ અને શિક્ષણની સુવ્યવસ્થિત કરવામાં આવ્યું છે. સરકાર શાળાઓમાં ધ્યાન આપવામાં આવ્યું છે. જજ, આઈએસઆઈ, મજદુર, ગરીબ, મધ્યમ વર્ગીય બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરી રહ્યાં છે. મજદુર અને ગરીબ તેમજ મધ્યમ વર્ગીય લોકોના બાળકો સારૂં શિક્ષણ મેળવી અધિકારીઓ, અફસર બની રહ્યાં છે. દિલ્હીમાં પ્રાઈવેટ શાળાઓ ઉપર લગામ કસવામાં આવી છે અને સરકારી શાળાઓમાં ધ્યાન આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો ગુજરાતમાં ૨૦ હજાર મફત સરકારી દવાખાના ખોલવામાં આવશે તેવા વાયદાઓ પણ કેજરીવાલ દ્વારા કરવામાં આવ્યાં હતાં અને ભાજપા અને કોંગ્રેસ પર પ્રહારો કરી જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસને મત ન આપી આ વખતે આમ આદમી પાર્ટીને મોકો આપી આમ આદમી પાર્ટીને મત આપવા જાહેર જનતાને જણાવ્યું હતું.
વિધાન સભાની ચુંટણી નજીક આવતાં તમામ પક્ષો દ્વારા ચુટણી પ્રચાર, પ્રસારનો આરંભ કરી દીધો છે. તમામ પાર્ટીઓ આ વખતે કમર કસી વિધાન સભાની સીટો કબજે કરવા ધમપછાડાઓમાં લાગી ગઈ છે અને જનતાને વચનો આપી જનતાને મનાવવામાં પણ લાગી ગઈ છે ત્યારે ભાજપા અને કોંગ્રેસ સિવાય આ વખતે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ પણ ચુંટણીમાં ઝંપલાવતાં ભાજપા અને કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી ચિંતાનો વિષય બની ગઈ હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સહિત પંજાબના સીએમ ભગવંત માનનો ગુજરાતમાં પ્રચાર, પ્રસાર ધમધોકાર ચાલી રહ્યો છે. ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને જીતવા આમ આદમી પાર્ટી દ્વારા એડી ચોટીનું જાેર લગાવી રહી છે. ગુજરાતમાં તમામ સ્થળોએ જાહેર સભાઓ સંબોધી રહી છે ત્યારે આજરોજ દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ શહેરમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન આવ્યાં હતાં. નિર્ધારિત સમય કરતાં અરવિંદ કેજરીવાલ કલાકો સુધી મોડા પડતાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ભારે હાલાકી સહન કરવી પડી હતી પરંતુ અરવિંદ કેજરીવાલ દાહોદમાં સૌ પ્રથમવાર આવવાના હોઈ તેઓને એક ઝલક દેખવા લોકોનો ભારે જમાવડો જાેવા મળ્યો હતો. ગુજરાતની સાથે સાથે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ લોકો દાહોદમાં ઉમટી પડ્યાં હતાં. મધ્યપ્રદેશથી અંદાજે ૭૦૦ થી ૮૦૦ વાહનોમાં હજ્જારોની સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ લોકો દાહોદ અરવિંદ કેજરીવાલની સભામાં જાેડાયાં હતાં. રાજસ્થાનથી પણ આમ આદમી પાર્ટી સહિત લોકો હાજર રહ્યાં હતાં. જાહેર સભામાં અંદાજે ૨૫ થી ૩૦ હજારની જનમેદની ગ્રાઉન્ડ ખાતે હાજર રહી હતી.