આ પહેલા પણ ઘણી શાળાઓમાં ચોરીઓ થઈ ચુકી છે : દાહોદના પાડા ગામની શાળાની ચોરીનો ગણતરીના દિવસમાં જ ભેદ ઉકેલાયો, ૪૬ હજારના મુદ્દામાલ સાથે ચાર આરોપીઓ ઝડપાયા
તંત્રી : રાધા પીઠાયા
દાહોદ તા.૨૨
દાહોદના પાડા પ્રાથમિક શાળામાં થયેલી ચોરીમાં લીમખેડા પોલીસે ગણતરીના દિવસોમાં જ ચાર આરોપીઓને તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડી સઘન પૂછપરછ હાથ ધરી છે. ગત ૨૩ સપ્ટેમ્બરે ચોરી થઈ હતી. પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ લીમખેડા તાલુકાના પાડા ગામની પ્રાથમિક શાળામાંથી ગત ૨૩ મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના સમયે ૪૬ હજાર રૂપિયાના સર સામાનની ચોરીનો બનાવ બન્યો હતો.જે અંગે લીમખેડા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. દાહોદ જિલ્લામાં દિન પ્રતિદિન શાળાઓમાં થતી ચોરીના બનાવની ગંભીરતાને ધ્યાને લઈ પંચમહાલ રેન્જ ગોધરાના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ.ભરાડા તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા દ્વારા ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવાની સૂચના પાઠવવામાં આવી હતી. ચોર ત્રિપુટી ગામની જ નીકળી, એક અન્ય ગામનો જેના અનુસંધાને લીમખેડા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ગામેતી દ્વારા સ્ટાફના માણસોની અલગ અલગ ટીમો બનાવી ચોરીમાં સંડોવાયેલા આરોપીઓ તથા મુદ્દામાલ ઝડપી પાડવા માટે સઘન શોધખોળ હાથ ધરવામાં આવી હતી.તે દરમિયાન પાડા ગામના નવોદયા ફળિયામાં રહેતા રોહિત કાળુભાઈ ભાભોર, રાકેશ સુરમલભાઈ ડીંડોડ,આશિષ લક્ષ્મણભાઈ ભાભોર તથા ઝાલોદના સુથારવાસા ગામે રહેતા નરેશ જવસિંગભાઈ ભાભોર સહિતના ચાર શખ્સો પાડા ગામની પ્રાથમિક શાળાની ચોરીમાં સંડોવાયેલા હોવાની વિગત જણાઈ આવતા લીમખેડા પોલીસે ચારેય આરોપીઓને સિફત પૂર્વક ઝડપી પાડ્યા હતા. ચોરેલા ઉપકરણો પણ કબ્જે કરાયા. આરોપીઓ પાસેથી શાળામાંથી ચોરાયેલ એલસીડી સીપીયુ સ્ટેબિલાઇઝર સીલીંગ ફેન બોર મોટર કેબલ વાયર ટેબલ ફેન સહિતનો ૪૬,૦૦૦ રૂપિયાનો તમામ મુદ્દામાલ પણ મળી આવ્યો હતો.લીમખેડા પોલીસે ચારે આરોપીઓની ધરપકડ કરી તેમની સઘન પૂછપરછ હાથ ધરી છે. પૂછપરછમાં ચોરીના અન્ય ગુનાઓનો પણ ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ જણાઈ રહી છે.

