ઝાલોદ નગરમાં સંતરામપુર રોડ ખાતેનો બનાવ : અગાઉના ઝઘડાની અદાવત રાખી ૨૫ જેટલા ઈસમોએ એકને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં ચકચાર મચી
રિપોર્ટર : ગગન સોની
દાહોદ.તા.૨૨
ઝાલોદ નગરમાં સંતરામપુર રોડ પર આવેલ આરામગૃહ પાસે ગતમોડી સાંજે અગાઉના ઝઘડાની અદાવતમાં ૨૫ જેટલા ઈસમોએ મચાવેલા ધિંગાણામાં એક ઈસમને મારમારી લોહીલુહાણ કરતા તે ઈસમના ગળામાં પહેરેલ સોનાની ચેન, હાથમાં પહેરેલ ચાંદીનું કડુ તેમજ પેન્ટના ખિસ્સામાંથી રૂા. ૩૦,૦૦૦ની રોકડ વગેરે ઝપાઝપી દરમ્યાન પડી ગયાનું તેમજ જાનથી મારી નાંખવાની ધાકધમકી આપ્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર જેતપુર ગામના મગરોળ ફળિયામાં રહેતા અને પ્રાયવેટ નોકરી કરતા સંદીપભાઈ રામસીંગભાઈ ડામોર નોકરી પતાવી ગઈકાલે સાંજના સાડા છ વાગ્યાના સુમારે પોતાની મોટર સાયકલ પર ઘરે જઈ રહ્યા હતા તે વખતે ઝાલોદ સંતરામપુર રોડ પર આવેલ આરામગૃહ પાસે બોલેરો ગાડી તથા ત્રણ મોટર સાયકલો પર આવેલા દેવજીની સરસવાણી ગામના રાજેશભાઈ રમેશભાઈ ડામોર, મનીષભાઈ રાજેશભાઈ ડામોર, આશિષભાઈ ડામોર, અનીલભાઈ ડામોર, રોકી ડામોર તથા બીજા પંદરથી વીસ જેટલા ઈસમોએ અગાઉના ઝઘડાની અદાવત રાખી સંદીપભાઈ ડામોરની મોટર સાયકલ રોકી બેફામ બિભત્સ ગાળો બોલી છુટ્ટા હાથે મારમારી કરતા સંદીપભાઈના ગળામાં પહેરેલ ત્રણ તોલા વજનની સોનાની ચેન, તથા જમણા હાથમાં પહેરેલ ૨૦૦ ગ્રામ વજનનું ચાંદી કડું, તથા તેના પેન્ટના પાછળના ખિસ્સામાં મૂકેલ ૫૦૦ના દરની રૂા. ૩૦,૦૦૦ની કિંમતની નોટો નંગ-૬૦ પડી ગયેલ તથા સંદીપભાઈ ડામોરની માથાના ભાગે તથા જમણા આંખ ઉપર મારમારી કરી ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી ધિંગાણું મચાવ્યું હતું. આ સંબંધે જેતપુર ગામના ઈજાગ્રસ્ત સંદીપભાઈ રામસીંગભાઈ ડામોરે નોંધાવેલ ફરિયાદને આધારે ઝાલોદ પોલિસ રાયોટીંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

