દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પાવડી ગામે હીટ એન્ડ રન કેસ : ઘરના આંગણામાં ઉંઘી રહેલ એક દંપતિ પર પીકઅપ ગાડી ફરી વળી : મહિલાનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના પાવડી ગામે હીટ એન્ડ રન કેસ બનવા પામ્યો છે જેમાં એક પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલકે ઘરના આંગણામાં ઉંઘી રહેલ એક દંપતિ ઉપર પીકઅપ ગાડી ચઢાવી દેતાં દંપતિ પૈકી મહિલાનું મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા.૩૦મી ઓક્ટોમ્બરના રોજ એક પીકઅપ ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની પીકઅપ ફોર વ્હીલર ગાડી પુરઝઢપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી દાહોદથી લીમડી તરફ જતાં હાઈવે પરથી પસાર થઈ રહ્યો હતો અને હાઈવે રોડ છોડીને પાવડી ગામ તરફ રોડની ગટરોમાં થઈ ખેતરોમાં પીકઅપ ગાડી પુઝડપે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે રાત્રીના એકાદ વાગ્યાના આસપાસ પાવડી ગામે કાકરવા ફળિયામાં રહેતાં પર્વતભાઈ સુરજીભાઈ ભાભોર તથા તેમની પત્નિ સીતાબેન પર્વતભાઈ ભાભોર બંન્ને જણા પોતાના ઘરના આંગણામાં ઉંઘી રહ્યાં હતાં તે સમયે પીકઅપ ગાડીના ચાલકે પતિ પત્નિ ઉપર પીકઅપ ગાડી ચઢાવી દેતાં સીતાબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત પર્વતભાઈને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. પીકઅપ ગાડીના ચાલકે ઘરના આંગણે મુકી રાખેલ મોટરસાઈકલને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
આ સંબંધે પાવડી ગામે કાકરવા ફળિયામાં રહેતાં નિકુંજભાઈ સુરજીભાઈ ભાભોર લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.