ભારત સરકારના ૪૨ તાલીમી આઇએએસ અધિકારીઓ દાહોદના ગામડાઓની મુલાકાત લેશે
દાહોદ, તા. ૧૬
દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચાલતી ગ્રામીણ વિકાસની યોજનાકીય પ્રવૃત્તિને ધ્યાને લઇ મસુરી સ્થિત લાલ બહાદૂર શાસ્ત્રી કેન્દ્રીય પ્રશાસન અકાદમીની ૯૪મી બેચના ફાઉન્ડેશન કોર્સના ૪૨ તાલીમી આઇએએસ અધિકારીઓ આગામી તા. ૧૮થી ૨૪ ઓક્ટોબર, એમ એક સપ્તાહ સુધી દાહોદ જિલ્લાની મુલાકાતે આવવાના છે અને અહીં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચલાવવામાં આવતી સેવા સેતુ સહિતની પ્રવૃત્તિની રૂબરૂ મુલાકાત લેવાના છે.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, મસુરી ખાતે ચાલતી કેન્દ્રીય પ્રશાસન અકાદમીની સાત ટીમ દાહોદ જિલ્લાના ગામડાઓની મુલાકાત લેવાની છે. એક ટીમમાં છ તાલીમી આઇએએસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાતેય ટીમ દાહોદ જિલ્લાના વિવિધ ગામોની મુલાકાત લેશે.
આ ટીમ ગ્રામ પંચાયતના સભ્યો, યુવાનો તેમજ સરકારી અધિકારીઓ જોડે શિક્ષણ, આરોગ્ય, ગરીબી, ખેતીવાડી, પંચાયતી રાજ સંસ્થા, જમીન સુધારણા, સ્વચ્છ ભારત અભિયાન અને ગ્રામીણ યુવા અને તેમની આકાંક્ષાઓ વિશે ગામના અભ્યાસ અર્થે ચર્ચા કરશે. ગ્રામજનો સાથે સંવાદ સાધશે. ગામની શાળાના વરિષ્ઠ શિક્ષક, આંગણવાડી વર્કર, મલ્ટી પરપઝ હેલ્થ વર્કર, સ્થાનિક સરકારી ડોક્ટર, કંપાઉન્ડર, સહાયક નર્સ તેમજ ગ્રામ સેવક તેમજ તલાટી કમ મંત્રી જોડે ચર્ચા કરશે.
તદ્દઉપરાંત, ઐતિહાસિક નિરૂપણ અંતર્ગત ગામના વૃદ્વ લોકો કે જે ગામના ઈતિહાસ વિશે વાત કરવા માંગત હોય તેમને શોધીને તેમની જોડે ચર્ચા કરશે. મૌસમી આરોગ્ય કેલેન્ડર બનાવશે અને ખોરાકની ઉપલબ્ધતા તપાસશે. શિક્ષણ, આરોગ્ય, પંચાયતી રાજ, ગરીબી, ખેતી અને જમીન સુધારણા ઉપર અભ્યાસ કરશે. સ્વચ્છ ભારત અભિયાન, ગ્રામીણ યુવાનો અને તેમની આકાંક્ષાઓનો અભ્યાસ કરશે.
આ સિવાય પાક લણણી, પીવાના અને સિંચાઇના પાણીની સુવિધા નિહાળશે. રોજગાર, મૌસમી બિમારીઓની માહિતી મેળવશે. વિવિધ સમુદાયો દ્વારા વિવિધ મૌસમ અથવા વિવિધ મહિનામાં થતી મોટી કામગીરીઓ અંગે જાણકારી મેળવશે. વિવિધ જૂથ જેવા કે ખેડૂતો, જમીન વિહોણા વેતન મજૂર અને ખેતી સિવાયના કામમાં રોકાયેલા હોય તેને મળી અહેવાલ તૈયાર કરશે.
આ ટીમોને સેવા સેતુ કાર્યક્રમની પણ મુલાકાત કરાવવામાં આવશે. જ્યાં, રાજ્ય સરકાર દ્વારા વિવિધ સેવાની ડોર સ્ટેપ ડિલિવરી કેવી રીતે કરવામાં આવે છે ? તેનું પ્રારૂપ એટલે કે મોડેલ વિશે માહિતી આપવામાં આવશે.