દાહોદ તાલુકાના ભંભોરી ગામે પાંચ ઈસમોએ ભેગા મળી ત્રણને ફટકાર્યાં
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૮
દાહોદ તાલુકાના ભંભોરી ગામે મોટરસાઈકલ યુવકને અડી જતાં આ મામલે થયેલ ઝઘડા તકરારમાં ૫ જેટલા ઈસમોએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી ગામના સરપંચ સહિત ત્રણ જણાને માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે. ગત તા.૦૭મી નવેમ્બરના રોજ ભંભોરી ગામે સરપંચ ફળિયામાં રહેતો મહેશભાઈ ચુનીયાભાઈ ભાભોર પોતાના ગામમાં રહેતાં જેસીંગભાઈ કસનાભાઈ કલારાના છોકરાને મોટરસાઈકલ અડી જવાની બાબતે ગાળો બોલતો હોય આ મામલે ગામના સરપંચ જશવંતભાઈ નેવાભાઈ ભાભોરે ગાળો બોલવાની ના પાડતાં મહેશભાઈ, બચુભાઈ રસુલભાઈ, અમરસિંગભાઈ કાનજીભાઈ, જયંતિભાઈ કાળીયાભાઈ તથા કાન્તીભાઈ કાળીયાભાઈ પાંચેય જાતે ભાભોરનાઓ એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને લાકડી વડે તેમજ ધારીયાની પુછ વડે સરપંચ જશવંતભાઈને તથા તેમની સાથેના મહેશભાઈ જશવંતભાઈ ભાભોર અને કિરીટભાઈ તેજીયાભાઈ ભાભોરને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડતાં ત્રણેય જણાને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
આ સંબંધે જેસીંગભાઈ કસનાભાઈ કલારાએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.