જાહેર અને ખાનગી મિલકતના માલિકની લેખીત પૂર્વ પરવાનગી વિના ચૂંટણી પ્રચાર કરી શકાશે નહીં
તંત્રી – સુભાષ એલાણી
દાહોદ, તા. ૯ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના સંદર્ભે દાહોદનાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એ.બી. પાંડોરે આચાર સંહિતાનો યોગ્ય અમલ થાય અને જાહેર માલ મિલકતની હાનિ, બગાડ અટકાવવા કેટલાંક હુકમ કર્યા છે.
તદ્દનુસાર, કોઇ પણ વ્યક્તિ કે સંસ્થા, ચૂંટણીના ઉમેદવારો અને તેઓના કાર્યકરોને અથવા તેમના દ્વારા નિયુક્ત કરેલા વ્યક્તિ, સંસ્થા કે પેઢી વગેરેએ સબંધિત જાહેર મિલકત અને ખાનગી માલિકોની લેખીત અને પૂર્વ પરવાનગી લીધા વિના ચૂંટણીલક્ષી પ્રચારપત્રો ચોડીને, સૂત્રો લખીને, નિશાનો ચીતરીને દિવાલો બગાડવી નહી. તેમજ કોઇ રાજકીય પક્ષ અથવા ઉમેદવાર પોતાના કાર્યકરોને ધ્વજદંડ ઉભા કરવા, બેનરો લટકાવવા, નોટીસો ચોંટાડવા, સૂત્રો લખવા અથવા અન્ય કોઇ પણ રીતે જાહેર અથવા ખાનગી મિલકત બગડે એ રીતે ચૂંટણી પ્રચાર કરી શકશે નહી.
માલિકની લેખીત પૂર્વ પરવાનગી વિના કોઇ પણ વ્યક્તિની જમીન, મકાન, કમ્પાઉન્ડ, દિવાલ, વાહનો, રોડ રસ્તા વગેરેનો ચૂંટણી પ્રચાર માટે ઉપયોગ કરી શકાશે નહી. જાહેર મિલકત શબ્દમાં ધોરીમાર્ગ, શેરી, રસ્તા, સાઇન બોર્ડ, ધોરી માર્ગ ઉપરના માઇલ સ્ટોન, બસ, વાહન, ટર્મીનલના નામના બોર્ડ, સરકારી કચેરીઓ, સરકારી વાહનો વગેરેનો સમાવેશ થાય છે.