દાહોદ તાલુકાના વણભોરી ગામે રસ્તાની વચ્ચે કુતરૂં આવી જતાં ઈક્કો ફોર વ્હીલર ગાડીને અકસ્માત નડતાં મહિલાનું મોત નીપજ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૧
દાહોદ તાલુકાના વણભોરી ગામે એક ઈક્કો ફોર વ્હીલર ગાડીના ચાલકે રસ્તામાં કુતરૂં આવી જતાં ઓચિંતી બ્રેક મારતાં ગાડીમાં બેઠેલ એક મહિલાને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યાંનું જ્યારે ચાલકને શરીરે ઈજાઓ પહોંચ્યાંનું જાણવા મળે છે. ગત તા.૯ નવેમ્બરના રોજ દાહોદ તાલુકાના તરવાડીયા વજા ગામે રહેતો સમસુભાઈ વરસીંગભાઈ ભાભોરે પોતાના કબજાની ઈક્કો ફોર વ્હીલર ગાડી લઈ વણભોરી ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો તે સમયે રસ્તામાં અચાનક કુતરૂં આવી જતાં ઈક્કો ફોર વ્હીલર ગાડીની ઓચિંતી બ્રેક મારતાં ગાડીમાં બેઠેલ લખનાબેનને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું જ્યારે ચાલક સમસુભાઈને પણ શરીરે ઈજાઓ પહોંચતાં તેઓને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં.
આ સંબંધે દાહોદ તાલુકાના તરવાડીયા વજા ગામે બીલવાળ ફળિયામાં રહેતાં સમસુભાઈ વરસીંગભાઈ ભાભોરે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.