દાહોદ જિલ્લાના રોઝમ ગામના ૧૦૦ થી પણ વધુ ખેડૂતો કરી રહ્યા છે ફૂલોની ખેતી
દાહોદ, તા. ૧૮ : દાહોદ જિલ્લામાં બાગાયત વિભાગ અને આત્માના સંયુક્ત પ્રયાસોથી જિલ્લાના ખેડૂતોએ ખેતીમાં નવતર અભિગમ અપનાવ્યો છે અને પરંપરાગત ખેતીને સ્થાને બાગાયતી પાકોની ખેતી કરતા થયા છે. ખેડૂતો વૈજ્ઞાનિક ઢબે ખેતીમાં નવા પ્રયોગો કરી મબલક ઉત્પાદન અને આવક મેળવી રહ્યા છે. દાહોદ જિલ્લાનું રોઝમ ગામ ગુલાબની ખેતી માટે આખા રાજ્યમાં જાણીતું બન્યું છે.
અહીંના ૧૦૦ થી પણ વધુ ખેડૂતો ફૂલોની ખેતી દ્વારા ધીંગીં કમાણી કરતા થયા છે. રોઝમ ગામની વસ્તી ૩ હજાર જેટલી છે અને ત્યાં ૪૦૦ જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે. તે પૈકી ૧૦૦ પરિવારો ફૂલોની સુંગધીદાર ખેતી સાથે જોડાયેલા છે. એટલે ગામના કુલ પરિવારો પૈકી ૨૫ ટકા લોકો ફૂલોની ખેતી કરે છે. છે ને ખુશ્બોદાર વાત !! પરંપરાગત ખેતી પદ્ધતિ છોડી આધુનિક ખેતી અપનાવતા આ ખેડૂતો વર્ષે દહાદે રૂ. ત્રણથી ચાર લાખની આવક મેળવે છે. ફૂલોની ખેતીએ આ ખેડૂતોના આર્થિક સક્ષમતાના દ્વારા ખોલી આપ્યા છે.
રોઝમ ગામના આવા જ એક રર વર્ષના નવયુવાન સતીષ પરમાર ગુલાબ અને ગલગોટાની ખેતી કરી મહીને ૩૦ હજારથી પણ વધુ આવક મેળવી રહ્યા છે. રોઝમ ગામના સતીષ પરમારના પિતા હિંમતભાઇ વર્ષોથી પરંપરાગત ખેતી કરતા હતા. ધઉં, જુવાર, મકાઇના પાક કરતા હતા. પરંતુ સતીષભાઇ આત્મા અને બાગાયત વિભાગના સંપર્કમાં આવતા તેઓએ ગુલાબ અને ફૂલોની ખેતી શરૂ કરી. રાસાયણીક ખાતરની જગ્યાએ છાણીયું ખાતર વાપરવાનું શરૂ કર્યું. ટપક સીંચાઇ પદ્ધતિ અપનાવી અને રાજ્ય સરકાર તરફથી બાગાયતી પાકો માટે મળતી સરકારી સહાયનો પણ લાભ લીધો. અત્યારે તેમનું ખેતર ફૂલોની ખૂશ્બુથી મઘમઘી રહયું છે, ગુલાબ અને ગલગોટાના હાર બનાવીને બજારમાં વેચી સતીષભાઇ રોજના હજાર થી પંદરસો રૂપીયાની આવક ફૂલોના રોકડીયા પાકના ઉત્પાદન દ્વારા મેળવે છે.
બારમું ધોરણ ભણેલા સતીષ પરમાર પોતાના ૪ હેકટરના ખેતરમાં ફૂલોનું મબલક ઉત્પાદન મેળવતા થયા છે. તેઓ શિયાળામાં બિજલી અને ઉનાળામાં સેવંન્તીના ફૂલોનો પાક લે છે. તેમની સાથે વાત કરતા સતીષભાઇ જણાવે છે કે, ‘ગુલાબની સારી રીતે માવજત કરવામાં આવે તો પાંચ થી સાત વર્ષ સુધી પાક લઇ શકાય છે. બાગાયત વિભાગ પાસેથી ફૂલોની ખેતી કરતા શીખ્યો છું અને સરકાર દ્વારા સબસીડીનો લાભ પણ મળ્યો છે.’ આત્મા પાસેથી પણ સતીષભાઇએ ખેતીની તાલીમ મેળવી છે. પરીણામે અત્યારે ઉચ્ચ અભ્યાસ કરેલા યુવાનો કરતા પણ વધુ આવક મેળવી રહ્યા છે. રાજ્ય સરકારના ખેડૂતો માટેના સાતત્યપૂર્ણ પ્રયાસોથી અનેક ખેડૂતો બાગાયતી પાકોની વૈજ્ઞાનિક રીતે ખેતી તરફ વળ્યા છે અને મબલખ ઉત્પાદન સાથે સારી કમાણી પણ કરી રહ્યા છે.