વિધાનસભા બેઠકો પર ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ દાહોદ વિધાનસભા બેઠક પર ૬૫ માંથી ૪૫ ફોર્મ માન્ય
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૧૯
ગુજરાત વિધાનસભાની ચૂંટણી અંતર્ગત દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ છ વિધાનસભા બેઠકો પર બીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે ત્યારે ચૂંટણી પંચની ગાઇડલાઇન મુજબ આજે ફોર્મ ચકાસણીનો છેલ્લો દિવસ હતો. જેમાં ફોર્મ ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પર હવે ૪૫ ઉમેદવારોના ફોર્મ સ્વીકારવામાં આવ્યા છે જેમાં રાજકીય પક્ષો તેમજ અપક્ષના દાવેદારોનો સમાવેશ થાય છે. હાલ ફોર્મ ખેંચવાની અંતિમ તારીખને બે દિવસ બાકી છે ત્યારે આગામી બે દિવસ બાદ વિધાનસભા બેઠકો પર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે.
દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ ૬ વિધાનસભા બેઠકો પર ચૂંટણી પંચ દ્વારા ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ હતી જે બાદ ચકાસણીના અંતે મેન્ડેટ વગરના તેમજ ડમી ફોર્મ રદ્દ થતા ફતેપુરા બેઠક પર ૧૦ માંથી ૮, ઝાલોદમાં ૧૧ માંથી ૮, લીમખેડામાંથી ૯ માંથી ૭, દાહોદ બેઠક પર ૯ માંથી ૭, ગરબાડા બેઠક પર ૧૭ માંથી ૯ તેમજ દેવગઢ બારીયા બેઠક પર ૮ માંથી ૬ ફોર્મ માન્ય થતા હવે ૪૫ ઉમેદવારોના ફોર્મ માન્ય ગણવામાં આવ્યા છે. જેમા રાજકીય પક્ષો તેમજ અપક્ષના ઉમેદવારનો સમાવેશ થયો છે જાેકે હાલ ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખમાં બે દિવસ બાકી હોય આગામી બે દિવસ બાદ ફોર્મ ખેંચવાની અવધી પૂર્ણ થયા બાદ જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય વજેસિંહ પણદાએ કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યું હતું પરંતુ મેન્ડેડ હર્ષદ નિનામાનું આવતા તેઓનો ફોર્મ ઓટોમેટીક રદ થઈ ગયો હતો. સાથે સાથે દાહોદ બેઠક પર આમ આદમી પાર્ટી દ્વારા ડો. દિનેશ મુનિયા તેમજ મેડા રમેશભાઈ છગનભાઈએ આમ આદમી પાર્ટીમાંથી દાવેદારી નોંધાવી હતી. જેમાં દિનેશ મુનિયાનું મેન્ટ આવતા તેમનો ફોર્મ સ્વીકારાયો છે. તો બીજી તરફ રમેશભાઈ છગનભાઈ મેડાએ ૧૦ ટેકેદારો સાથે ફોર્મ ભરતા તેમનું ફોર્મ અપક્ષ તરીકે માન્ય રખાયું છે પરંતુ ચૂંટણી પંચની વેબસાઈટ પર ડો.દિનેશ મુનિયા તેમજ અપક્ષ ઉમેદવાર રમેશ છગનભાઈ મેડાનું આમ આદમી પાર્ટી તરીકે ઉમેદવાર પ્રસ્થાપિત થયા છે તેમ દેખાઈ રહ્યું છે. એટલે જે રીતે સુરત અને વડોદરામાં આમ આદમી પાર્ટીના ફોર્મ ખેંચવા તેમજ નામોને લઈને વિવાદ થયો તેમ દાહોદ બેઠક પર એક જ પાર્ટીના સિમ્બોલ પર બે ઉમેદવારો ચૂંટણીપંચની વેબસાઈટ પર દેખાઈ રહ્યા છે જે ખરેખર મેનપાવરની ભૂલ છે અથવા ચૂંટણી પંચનો છબરડો છે. કારણ જે પણ હોય પણ દાહોદ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે બે નામો દેખાતા આમ આદમી પાર્ટીના ઓફિસિયલ ઉમેદવાર કોને ગણવા તેને લઈને અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. સાથે સાથે મતદારો પણ વીમાસણમાં મુકાયા છે.