ઝાલોદ તાલુકાના તેતરીયા ગામે ગત વિધાન સભાની ચુંટણી દરમ્યાન થયેલ ઝઘડાની અદાવતે એક દંપતિને ફટકાર્યા
દાહોદ તા.૨
ઝાલોદ તાલુકાના તેતરીયા ગામે ગત વિધાન સભાની ચુંટણી દરમ્યાન માર માર્યાની અદાવત રાખી એક ફોર વ્હીલર ગાડીમાં સવાર થઈ આવેલા બે જણાએ એક દંપતિને પાઈપ,પાવડા વડે તથા ગડદાપાટ્ટુનો માર મારી શરીરે હાથે પગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપ્યાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના ચાકલીયા ગામે તળાવ ફળિયામાં રહેતા રાહુલભાઈ જેસીંગભાઈ પારગી તથા પ્રકાશભાઈ મસુલભાઈ પણદા ગત તા.૨૭.૧૦.૨૦૧૯ના રોજ ઝાલોદ તાલુકાના તેતરીયા ગામે વાણીયા ફળિયામાં રહેતા સાવીત્રીબેન દિનેશભાઈ ડામોરના ઘરે આવ્યા હતા અને ગાડીમાંથી ઉતરી બેફામ ગાળો બોલી કહેવા લાગેલ કે, ગઈ વિધાન સભાની ચુંટણી વખતે તારા પતિ દિનેશભાઈએ મને રૂપાખેડા ગામની નીશાળમાં દોડાવીને માર ખવડાવેલો, તેમ કહેતા સાવીત્રીબેને કહેલ કે, તમો શેના કારણથી અમોને ગાળો બોલો છો અને આજે તમો દારૂના નશામાં છો અને દિવાળીનો તહેવાર હોવાથી આડા દિવસે સાજા થઈને આવજા, તેમ કહેતા ઉપરોક્ત બંન્ને ઈસમો એકદમ ઉશ્કેરાય જઈ સાવીત્રીબેન અને દિનેશભાઈને પાઈપ વડે તથા પાવડા વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે,હાથે પગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે સાવીત્રીબેન દિનેશભાઈ ડામોરે લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.