દાહોદની સ્થાનિક કલા અને સંસ્કૃતિને દર્શાવતી બે ફીચર ફિલ્મોનું કરી રહ્યા છે નિર્માણ.
સિંધુ ઉદય
ગુજરાતમાં વસતા આદિવાસીઓ તેમની કલા અને સંસ્કૃતિની જાળવણી માટે જાણીતા છે. પરંતુ નક્કર પ્લેટફોર્મના અભાવે તેમની કલા તમામ લોકો સુધી પહોંચી શકતી નથી. આજના આધુનિક યુગમાં ફિલ્મ નિર્માણની આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને લોકો અને એમાંય ખાસ કરીને યુવાનો હવે તેમની સંસ્કૃતિ અને કલાને બહારની દુનિયામાં પોતાના કૌશલ્યો થી ઉજાગર કરી રહ્યા છે.
ગુજરાતનો પૂર્વ સરહદી જિલ્લો એટલે આદિવાસી જિલ્લો દાહોદ. જે મોટાભાગે જંગલો અને ટેકરીઓથી આચ્છાદિત છે.દાહોદની સંસ્કૃતિ બધાય જિલ્લાઓથી નોખી તરી આવે એવી છે.આ આધુનિક યુગમાં પણ ત્યાંના આદિવાસી લોકોએ તેમની કલા અને સંસ્કૃતિને સાચવી રાખી છે.હા, એ વાત પણ સાચી છે કે,ઘણી પરંપરાઓ આજની પેઢીથી અજાણ તેમજ લુપ્ત થવાના આરે છે.આ બાબતને ધ્યાને લઇ છેલ્લાં કેટલાંક વર્ષોથી દાહોદના જ સ્થાનિક યુવાનો વાતચીતના વિવિધ માધ્યમોનો ઉપયોગ કરીને અન્ય લોકોને તેમની સંસ્કૃતિનું મહત્વ અને દાહોદ જિલ્લાના આદિવાસીઓની સાચી ઓળખાણને સમાજના દર્પણ સમી ફિલ્મરૂપે દર્શાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
દાહોદના જ ચાર મિત્રો કૌશિક ગરાસિયા જે ‘ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા’ના ભૂતપૂર્વ વિદ્યાર્થી,વિહંગ રાઠોડ કે જેઓ હાલ સત્યજિત રે ફિલ્મ એન્ડ ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા, કોલકાતા ના વિદ્યાર્થી છે.આ બન્ને મિત્રોએ દાહોદના પોતાના અન્ય બે મિત્રો ઉત્સવ સોલંકી અને ચંદ્રકાંત બામણિયા સાથે મળીને દાહોદની સ્થાનિક સંસ્કૃતિને દર્શાવવા માટે એક ફીચર ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે જે હાલમાં પ્રી-પ્રોડક્શન સ્ટેજમાં છે.જેમાં દાહોદની મૂળ અને બધાંથી અલગ તરી આવતી સંસ્કૃતિ, ભોજન વિવિધતા તેમજ કળા જેવી રીયલ લાઈફને રીલ માં કંડારીને દાહોદની ઓળખને ચારેબાજુ વિસ્તરે તેવો પ્રયાસ કરવાનું નક્કી કર્યું છે.
યુવા ફિલ્મ દિગ્દર્શક કૌશિક ગરાસિયા જણાવે છે કે,-“બંને ફિલ્મોનું શૂટિંગ ટૂંક સમયમાં ફરી શરૂ કરવામાં આવશે અને અમે ૨૦૨૩ માં થિયેટરમાં રિલીઝ કરવાની અમે યોજના બનાવી રહ્યા છીએ. બંને ફિલ્મોની વાર્તા અલગ છે પરંતુ સ્થાનિક સંસ્કૃતિને વહન કરે છે. અમે શરૂઆતથી જ દાહોદની કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.દાહોદના ઉત્સવો અને સંસ્કૃતિને અમારી ફિલ્મો દ્વારા બહારની દુનિયા સુધી પહોંચાડવાનો અને દરેકને દાહોદ શહેરની શ્રેષ્ઠ બાજુ બતાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે.”
અગાઉ ૨૦૨૦ માં તેઓએ દેવગઢ બારિયા ફોરેસ્ટ રેન્જ તેમજ પીપેરો-ધાનપુર વિસ્તારમાં શૂટિંગ કરીને પ્રાયોગિક ટૂંકી ફિલ્મ “કલાવા” બનાવી હતી.એ ફિલ્મમાં અદાકારીનો કોઈ પૂર્વ અનુભવ ન હોય તેવા ફકત મિત્રો અને કુટુંબીજનો એ ભૂમિકા ભજવી હતી.
આ ફિલ્મે ૭ માં ગોવા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ, ૨૦૨૦ માં ‘ધ બેસ્ટ એક્સપેરિમેન્ટલ ફિલ્મ’ માટેનો એવોર્ડ જીત્યો હતો.આ ફિલ્મ થકી મનુષ્યો અને પ્રકૃતિ સાથેના તેમના સંબંધને અજમાયશ રીતે બતાવવાનો પ્રયાસ હતો. ફિલ્મની વિવિધ પદ્ધતિઓના કારણે એ ફિલ્મની આપણા દેશ ઉપરાંત અન્ય દેશોમાં તેની ખુબ પ્રસંશા થઇ.
આ ઉપરાંત તેઓએ નેટફ્લિક્સ દ્વારા એક શોર્ટ ફિલ્મ ‘ટેક ૧૦’ પણ બનાવીને મોકલી જેમાં ૧૫૦૦ એન્ટ્રીઓમાંથી ૨૦૦ ની નીચે રેન્ક મેળવી.
આ ચારેય મિત્રોની ટીમ તેમની સ્થાનિક સંસ્કૃતિને સ્ક્રીન પર લાવવા માંગે છે. તેઓ દાહોદ અને નજીકના વિસ્તારોમાં શૂટિંગ કરવાની યોજના બનાવીને મોટાભાગના કલાકારો સ્થાનિક જ હોય એમ ઈચ્છે છે. તેમનો ઉદ્દેશ્ય તેમને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. ટીમે કહ્યું કે,” અમે દાહોદ પર ધ્યાન કેન્દ્રિત કરીને તેને કલા અને સંસ્કૃતિના હબ તરીકે બહારની દુનિયા સમક્ષ રજૂ કરવા માંગીએ છીએ. આપણા વારસાને જાળવવા માટે અમારા તરફથી કરવામાં આવેલો આ એક નાનકડો પ્રયાસ છે.”