દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મોટીબારા ગામેથી પોલીસે રૂા. ૧.૮૫ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી કબજે કરી
નીલ ડોડીયાર
દાહોદ તા.૧૬
ફતેપુરા તાલુકાના મોટીબારા ગામે વિદેશી દારૂની હેરાફેરી કરતો પરપ્રાંતીય ખેપીયો રૂા. ૧.૮૫ લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ, ફોરવ્હીલ ગાડી, મોબાઈલ વગેરે મળી રૂપિયા ૬.૯૦ લાખ ઉપરાતનો મુદ્દામાલ સાથે પકડાતાં તેને જેલના સળીયા પાછળ મોકલી આપ્યાનું જાણવા મળેલ છે.
ફતેપુરા પોલિસ સ્ટેશનના પી.એસ.આઈ જી.કે. ભરવાડ તથા તેમના સ્ટાફના પોલિસ કર્મીઓ નાઈટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ફતેપુરા તાલુકાના મોટીબારા ગામ પાસે એક લાલ કલરની ક્રેટા ગાડીમાં ઈગ્લીશ દારૂ ભરીને લઈ જતી હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ ફતેપુરા પોલિસે જરૂરી વોચ ગોઠવી હતી તે દરમ્યાન જીજે-૦૬ એલ.બી-૧૪૩૬ નંબરની લાલ કલરની ક્રેટા ગાડી આવતા પોલિસે ગાડીને ચારે બાજુથી ઘેરી લીધી હતી અને ગાડીની તલાસી લઈ ગાડીમાંથી પોલિસે રૂા. ૧,૮૫,૦૧૫ની કુલ કિંમતની ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૩૮૮ ઝડપી પાડી ગાડીના ચાલક રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના વીજનીયા ગામના રમેશચંદ્ર વર્ધીચંદ્ર ડાંગીની અટક કરી તેની પાસેથી રૂપિયા ૫૦૦૦ની કિંમતનો મોબાઈલ ફોન પકડી પાડી રૂા. ૧,૮૫,૦૧૫નો વિદેશી દારૂ, ૫૦૦૦નો મોબાઈલ ફોન તથા સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂા. ૫ લાખની કિંમતની ક્રેટા ગાડી મળી રૂા. ૬,૯૦,૦૧૫નો મુદ્દામાલ કબજે લઈ પુછપરછ કરતા સદર દારૂનો જથ્થો રાજસ્થાનના બાલીસા ગામના રાજુભાઈ ડામોરે ભરાવી આપ્યો હોવાનું અને રાજસ્થાનના ઉદેપુરનો પ્રવીણ ડાભી નાસી ગયો હોવાનું જણાવતા ફતેપુરા પોલિસે આ સંદર્ભે ગાડીના ચાલક, માલ ભરાવી આપનાર તથા નાસી જનાર મળી ત્રણ જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.


