દાહોદ તાલુકાના જાલત ગામે જમીનમાં ખેડાણ કરવા મામલે ધિંગાણુ : એક મહિલા સહિત પાંચને ઈજા : સામસામે ફરિયાદ
દાહોદ તા.૦૬
દાહોદ તાલુકાના જાલત ગામે બે પક્ષો વચ્ચે જમીનમાં ખેડવા મામલે થયેલ ઝઘડામાં લાકડીઓ ઉછળતા એક મહિલા સહિત પાંચ જણાને ઈજાઓ થવા પામી હતી જ્યારે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દાહોદ તાલુકાના જાલત ગામે નાકા ફળિયામાં રહેતા કાળીયાભાઈ બદીયાભાઈ બીલવાળે નોંધાવેલ ફળિયામાં જણાવ્યા અનુસાર, સુરેશભાઈ તથા મહેશભાઈએ તેમની ગીરવે મુકેલી જમીનનું ખેડાણ કરવા જતાં હતા તે સમયે પોતાના જ ફળિયામાં રહેતા નરસીંગભાઈ હવસીંગભાઈ, કલજીભાઈ ગજીયાભાઈ, કમલેશભાઈ મેગજીભાઈ તથા વેલજીભાઈ ગજીયાભાઈ બિલવાળનાઓ ત્યા આવી સુરેશભાઈ અને મહેશભાઈના ટ્રેક્ટરની તોડફોડ કરી લાકડીઓ વડે સુરેશભાઈ અને મહેશભાઈને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી હતી.
સામાપક્ષેથી દાહોદ તાલુકાના જાલત ગામે નવાઝુપડા ફળિયામાં રહેતા તાજુભાઈ નરસીંગભાઈ બિલવાળે નોંધાવેલ ફળિયાદમાં જણાવ્યા અનુસાર, પોતાના જ ગામમાં ડુંગરી ફળિયામાં રહેતા સુરેશભાઈ કાળીયાભાઈ, મહેશભાઈ પારસીંગભાઈ, પારસીંગભાઈ બદીયાભાઈ તથા રાયસીંગભાઈ બદીયાભાઈ તમામ જાતે બિલવાળનાઓએ તાજુભાઈની માલિકીની જમીનમાં ટ્રેક્ટર લઈ ખેડતા હતા તે સમયે આ બાબતે તાજુભાઈએ ખેડવાની ના પાડતા ઉશ્કેરાયેલ ઉપરોક્ત ચારેય જણાએ મધુબેનને, કલજીભાઈ તથા વેલજીભાઈને માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ધિંગાણુ મચાવી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ સંબંધે કતવારા પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

